• અદાણી ગ્રીન એનર્જીના શેરને ફરી 52 સપ્તાહની ટોચે પહોંચવા 410%ની છલાંગની જરૂર
  • અદાણી ટ્રાન્સમિશનને 52 સપ્તાહની ટોચ માટે 384%ના છલાંગની જરૂર
  • અદાણીની સંપત્તિ ઘટીને 49.1 અબજ ડોલર થઇ ગઇ

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં શરૂ થયેલી ઘટાડાની પ્રક્રિયા અત્યારે અટકે તેમ લાગતું નથી. અદાણી ગ્રૂપના કેટલાક શેર એટલા તૂટેલા છે કે તેમને તેમની 52 સપ્તાહની ટોચે પહોંચવા માટે 400 ટકા સુધીની રેલીની જરૂર છે. શેરોના ઘટાડાને કારણે કંપનીઓની માર્કેટ કેપ ઘટી છે. જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક સમયે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન ધરાવતા ગૌતમ અદાણીની સંપત્તિ હવે ઘટીને 49.1 અબજ ડોલર થઈ ગઈ છે. સોમવારે પણ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

400%ની છલાંગની જરૂર

સોમવારના ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રીન એનર્જીનો શેર રૂ. 597.50ની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. 19 એપ્રિલ 2022ના રોજ 3048 રૂપિયાના પોતાના 52 સપ્તાહના હાઇ લેવલને ફરીથી પ્રાપ્ત કરવા માટે 410 ટકાની રેલીની જરૂર છે. અદાણી ટ્રાન્સમિશન 875.05 રૂપિયાની નીચલી સપાટીએ પહોંચ્યો છે. હવે આ શેરને 16 સપ્ટેમ્બર 2022ના રોજ પોતાની 52 સપ્તાહની નીચલી સપાટી 4238.55 રૂપિયા પર પહોંચવા માટે 384 ટકાની છલાંગની જરૂર છે.

જોરદાર તેજીની જરૂર

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ટોટલ ગેસના શેર ખરાબ રીતે તૂટ્યા છે. આજે શેરનો ભાવ રૂ. 922.95ના નીચલા સ્તરે આવી ગયો છે. આ શેરને 52 સપ્તાહની ટોચે 3998.35 રૂપિયા પર પહોંચવા માટે 332 ટકાના મજબૂત ઉછાળાની જરૂર છે. અદાણી પોર્ટ્સને રૂ. 565.55ના સ્તરેથી તેની 52 સપ્તાહની ટોચે પહોંચવા માટે 75 ટકાના ઉછાળાની જરૂર હતી. તેની 52 સપ્તાહની ઉચ્ચ સપાટી રૂ.987.90 છે.

મ્યુચ્યુઅલ ફંડોએ હિસ્સો ઘટાડ્યો

આંકડાઓ દર્શાવે છે કે જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રૂપના કેટલાક શેરમાં હિસ્સો ઘટાડ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝના કિસ્સામાં મ્યુચ્યુઅલ ફંડોએ 31મી જાન્યુઆરીએ 1,16,54,223 શેર્સ અથવા 1.02 ટકાનો ઘટાડો કર્યો, જે 31 ડિસેમ્બરના રોજ 1,32,12,030 શેર્સ એટલેકે 1.16 ટકા હતા.

ગૌતમ અદાણી 24 જાન્યુઆરી સુધી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. પરંતુ હિંડનબર્ગના રિપોર્ટ બાદ તેમની કંપનીઓની માર્કેટકેપમાં મોટો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નીચે જતા રહ્યા હતા. સોમવારે બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં 25માં સ્થાને સરકી ગયા.

  • Follow us on: