- દાવોસમાં અદાણી ગૃપે રોકાણના એમઓયુ કર્યા
- સ્ટાર્ટઅપ, ડ્રોન, મિસાઈલ ટેક્નોલૉજી પર કામ થશે
- વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં અદાણી જૂથે હસ્તાક્ષર કર્યા
તેલંગણામાં અદાણી જૂથે 12400 કરોડ રૂપિયાના રોકાણનો નિર્ણય કર્યો છે. તેલંગણા સરકાર અને અદાણી ગૃપ વચ્ચે ચાર એમઓયુ પણ થયા છે. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં તેલંગણાના સીએમ રેવંત રેડ્ડી અને અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરાયા હતા.
તેલંગણા સરકારે અનુસાર આ રોકાણથી રાજ્યની આર્થિક પ્રગતિમાં વધારો થશે. તેલંગણામાં ગ્રીન ઊર્જા વિકાસની દિશામાં ઉત્તમ કામ થઈ શકશે. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ 5000 કરોડ રૂપિયાના રોકાણથી 100 મેગાવોટનું ડેટા સેન્ટર બનાવવા રાજી થઈ છે. આને ગ્રીન ઊર્જાથી ઝળહળતું કરવામાં આવશે. આ ડેટા સેન્ટર આશરે પાંચ વર્ષમાં બનીને તૈયાર થઈ જશે. આ પ્રોજેક્ટ માટે રાજ્યના સૂક્ષમ અને લઘુ ઉદ્યોગ સ્ટાર્ટઅપને પણ મદદ મળશે. આનાથી 600 લોકોને રોજગારી મળશે.
સિમેન્ટ પ્લાન્ટ પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ પણ શરૂ થશે
આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ આશરે પાંચ હજાર કરોડ રૂપિયાના રોકાણથી તેલંગણામાં બે પંપ સ્ટોરેજ બનાવશે. આમાંથી એક 850 મેગાવોટનો પ્રોજેક્ટ અને બીજો 500 મેગાવોટનો પ્રોજેક્ટ હશે. આ ઉપરાંત અંબુજા સિમેન્ટ પણ પાંચ વર્ષમાં 1400 કરોડ રૂપિયાના રોકાણથી છ એમટીપીએ ક્ષમતાનો પ્લાન્ટ પણ ખોલશે. આ યુનિટ 70 એકરમાં ફેલાયેલો હશે. આનાથી ચાર હજાર લોકોને નોકરી મળશે.
મિસાઈલ, ડ્રોનમાં અદાણી ગૃપ રોકાણ કરશે
અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલૉજી તેલંગણામાં 10 વર્ષની અંદર આશરે એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો વાયદો કર્યો છે. આ રકમથી અદાણી એરોસ્પેસ પાર્કમાં ડ્રોન અને મિસાઈલ સિસ્ટમનું સંશોધન, ડેવલપમેન્ટ, ડિઝાઈન, મેન્યૂફેકચરિંગ અને ઈન્ટ્રીગ્રેશન કરશે. આ પ્રોજેક્ટથી આશરે એક હજાર લોકોને રોજગારી પૂરી પડવાની આશા છે.