- અમેરિકી કંપનીઓ મંદીના ડરથી કરી રહી છે છટણી
- કંપની કર્મચારીઓને નોટિફાઈ કરશે
- કંપની જલ્દી 10 હજાર કર્મચારીઓની કરશે હકાલપટ્ટી
વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને પણ છટણી શરૂ કરી દીધી છે. કંપનીએ કોર્પોરેટ સ્તરના અધિકારીઓની છટણી શરૂ કરી છે. અમેરિકા સ્થિત કંપનીની ઓફિસમાંથી મોટી સંખ્યામાં લોકોને કાઢી મૂકવામાં આવી રહ્યા છે. કંપનીએ આ પગલું કોરોના સમયગાળા દરમિયાન અને ત્યારબાદ ઘટતી આવકને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યું છે. આ સિવાય અમેરિકન કંપનીઓ પણ મંદીના ડરથી છટણી કરી રહી છે.
ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાયો
એમેઝોનના હાર્ડવેર ચીફ ડેવ લિમ્પે જણાવ્યું કે, ખૂબ જ ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટીમની કેટલીક ભૂમિકાઓ સમાપ્ત કરવામાં આવશે. એવું જોવામાં આવ્યું છે કે કંપનીને હવે કેટલીક ભૂમિકાઓની જરૂર નથી. મને જાણ કરતાં ખૂબ જ દુઃખ થાય છે કે અમે હવે અમારા ઉપકરણો અને સેવાઓ ટીમ સાથે કામ કરતા કેટલાક ખૂબ જ પ્રતિભાશાળી એમેઝોન કર્મચારીઓને ગુમાવીશું. કંપની બરતરફ કરાયેલા કર્મચારીઓને જાણ કરશે અને તેમનો સંપર્ક કરશે અને તમામ મદદની ખાતરી આપશે.
એમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટી છટણી
ઉલ્લેખનીય છે કે એમેઝોન ટૂંક સમયમાં 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં કોર્પોરેટ અને ટેક્નોલોજી ક્ષેત્રના કર્મચારીઓ સામેલ થશે. એમેઝોનના ઈતિહાસમાં આ સૌથી મોટી છટણી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના કોર્પોરેટ વર્કફોર્સમાં લગભગ 3 ટકા ઘટાડો થશે. કંપનીના પ્રવક્તા કેલી નેન્ટેલે જણાવ્યું હતું કે, વાર્ષિક સમીક્ષા આયોજનને જોયા બાદ જાણવા મળ્યું છે કે કેટલીક ભૂમિકાઓની હવે જરૂર નથી. સૌથી વધુ અસર ઉપકરણ, રિટેલ અને માનવ સંસાધન વિભાગો પર પડશે.
વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પણ સામેલ
કંપનીએ જણાવ્યું છે કે વર્તમાન આર્થિક સ્થિતિને જોતા કોર્પોરેટ રેન્કના ઘણા અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા છે. કેલિફોર્નિયાના લોકલ ઓથોરિટીને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે ડેટા સાયન્ટિસ્ટ, સોફ્ટવેર એન્જિનિયર અને અન્ય કોર્પોરેટ વર્કર સાથે સંબંધિત લગભગ 260 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આ કર્મચારીઓની સમાપ્તિ 17 જાન્યુઆરી, 2023 થી લાગુ થશે.
એમેઝોન પાસે કેટલા કર્મચારીઓ છે
ઈ-કોમર્સ કંપનીમાં વિશ્વભરમાં 1.5 લાખથી વધુ કર્મચારીઓ છે, જેઓ પેરોલ પર કામ કરે છે. કંપનીએ કહ્યું કે જો કર્મચારીઓની સંખ્યા 75થી વધુ છે તો તેમને 60 દિવસની નોટિસ આપવામાં આવશે. આ અર્થમાં જે કર્મચારીઓને કાઢી મૂકવાની નોટિસ આપવામાં આવી છે તેમનો કાર્યકાળ આવતા વર્ષે 17 જાન્યુઆરીએ સમાપ્ત કરાય તેવી યોજના છે.
કંપનીએ ઘણા પ્રોજેક્ટ બંધ કર્યા
આવકમાં થયેલા ઘટાડાને જોઈને એમેઝોને માત્ર છટણીનો જ આગ્રહ નથી રાખ્યો, પરંતુ ઘણા પ્રોજેક્ટ્સમાંથી પણ હટી ગઈ છે. આમાં Cloth.com, Amazon Care અને હોમ ડિલિવરી રોબોટ સ્કાઉટ જેવા મોટા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, કંપનીએ ભારત સહિત ઘણા દેશોમાં વેરહાઉસ બનાવવાની યોજના પણ છોડી દીધી છે. કોરોના સમયગાળા પછી, કંપનીની આવકમાં મોટો ઘટાડો થયો હતો. આ સિવાય અમેરિકામાં મંદીના સમાચારને જોતા શેરબજારમાં પણ કંપનીના શેરને અસર થઈ છે.