ભારતના ઓપરેશન સિંદૂરથી આજે પાકિસ્તાનના શેરબજારમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનના શેરબજારમાં ભારે અરાજકતા જોવા મળતા રોકાણકારો ડરી ગયા છે. પાકિસ્તાનમાં આતંકવાદી શિબિરો પર થયેલા હુમલા બાદ બુધવારે પાકિસ્તાનનો બેન્ચમાર્ક સ્ટોક ઇન્ડેક્સ 5.78 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યો.
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો KSE-100 ઇન્ડેક્સ 23 એપ્રિલથી 5 મે દરમિયાન 3.7 ટકા ઘટ્યો છે. ખાસ કરીને 30 એપ્રિલના રોજ, પાકિસ્તાન સ્ટોક માર્કેટની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ જ્યારે તે એક જ દિવસમાં 3,544 પોઈન્ટ ઘટીને 111,326.57 પર બંધ થયો. LUCK, ENGROH, UBL, PPL અને FFC જેવી મોટી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે KSE-100 ઇન્ડેક્સ 1,100 પોઈન્ટ નીચે ગયો.
ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે ભારત સાથે વધતા તણાવની પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે. મૂડીઝ કહે છે કે જો તણાવ લંબાય છે, તો પાકિસ્તાનને વિદેશી સહાય મેળવવામાં મુશ્કેલી પડી શકે છે, જેનાથી તેના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ વધી શકે છે.
પાકિસ્તાનના શેર બજારમાં હડકંપ
આ પછી, ભારત સરકારે પાકિસ્તાન સાથે વેપાર સહિત તમામ સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરી. ભારત સરકારના આ પગલા બાદ, એક તરફ તેની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે અને બીજી તરફ પાકિસ્તાનનું શેરબજાર સતત તૂટી રહ્યું છે. પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડાને કારણે અત્યાર સુધીમાં રોકાણકારોના અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે સાર્ક વિઝા મુક્તિ રદ કરવાની સાથે, પાકિસ્તાની રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા અને સિંધુ જળ સંધિ રદ કરવાની કાર્યવાહીથી પણ પાકિસ્તાન પરેશાન હતું. વધુમાં, 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી ઘટના પછી, કરાચી સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક KSE-100 ઇન્ડેક્સ 24 એપ્રિલના રોજ ટ્રેડિંગની થોડી મિનિટોમાં 2,485 પોઈન્ટ ઘટ્યો હતો. અને આજે ભારતે પહલગામ હુમલાનો જવાબ આપતા ઓપરેશન સિંદૂર હાથ ધરતા પાકિસ્તાનમાં આતંકવાદીઓના અનેક ઠેકાણો નષ્ટ કર્યા હતા. જેના બાદ પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. અને પાકિસ્તાનના શેરબજાર પર તેની અસર જોવા મળી.