અરબપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો બિઝનેસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે. ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર પ્રોજેક્ટ્સ પર પણ કામ કરે છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે ગૌતમ અદાણીએ ત્યાંની વચગાળાની સરકારને લગભગ 4,200 કરોડ રૂપિયાની ચૂકવણી ટૂંક સમયમાં કરવા કહ્યું છે.
ગૌતમ અદાણીએ આ સરકારને કરી તાકીદ
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. ગૌતમ અદાણીએ આ સરકારને તાકીદ કરી છે કે પાવર પ્રોજેક્ટનું બાકી પેમેન્ટ તાત્કાલિક ચૂકવી આપો.
ધિરાણકર્તાને લોનની રકમ ચૂકવવી પડશે
ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલ મુજબ અદાણી ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનના આધારે કહેવામાં આવ્યું છે કે, નાણાકીય પડકારો વધતા હોવા છતાં તે બાંગ્લાદેશને વીજ પુરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે. અદાણી ગ્રુપ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યું છે.
બાંગ્લાદેશ તરફથી ચૂકવણી બાકી
અદાણી ગ્રુપનું કહેવું છે કે, ત્યાંની વચગાળાની સરકારને આ પ્રોજેક્ટના પડકાર વિશે વાકેફ કરવામાં આવી છે. કારણ કે અમારે માત્ર પાવર સપ્લાય જ પૂરો કરવાનો નથી પણ જેમની પાસેથી અમે લોન લીધી છે તેમના હપ્તા પણ ચૂકવવાના છે. આ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કારણ કે બાંગ્લાદેશ તરફથી ચૂકવણી બાકી છે.
કરારો મોંઘા હોવાનો બાંગ્લાદેશ સરકારનો આરોપ
અદાણી ગ્રુપ ભારતમાં ગોડ્ડા પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરે છે. આ 1600 મેગાવોટ ક્ષમતાનો કોલસા પાવર પ્લાન્ટ છે. બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સમયમાં કરવામાં આવેલા માળખાકીય કરારો મોંઘા હોવાનો આરોપ લગાવ્યો છે.
બાંગ્લાદેશને વિશ્વ બેન્ક પાસેથી મદદની અપેક્ષા
હાલમાં બાંગ્લાદેશમાં વીજળીનું સંકટ વધી રહ્યું છે. તેનું કારણ વીજળી સંબંધિત તેની નાણાકીય જવાબદારીઓમાં વધારો છે. હાલમાં બાંગ્લાદેશનું વીજળી સંબંધિત દેવું 3.7 અબજ ડોલર (લગભગ રૂ. 31,000 કરોડ)ને વટાવી ગયું છે. મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં મુખ્ય ઉર્જા સલાહકાર મુહમ્મદ ફૌજુલ કબીર ખાનનું કહેવું છે કે, બાંગ્લાદેશ તેની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે વિશ્વ બેન્ક અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદની અપેક્ષા રાખે છે. વચગાળાની સરકાર આ માટે પ્રયાસ કરી રહી છે.