વિશ્વની ફેકટરી કહેવાતા ચીનથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકનું મોત વધુ કામના લીધે થયું છે. યુવકની ઉંમર માત્ર 30 વર્ષની છે. કોર્ટે કંપનીને મૃતકના પરિવારને વળતર ચુકવવા આદેશ આપ્યો છે. જીવ ગુમાવનાર યુવક પેઈન્ટર તરીકે કામ કરતો હતો. યુવક સતત 104 દિવસો સુધી કામ કર્યું હતું. આ દરમિયાન તેને માત્ર એક જ દિવસની રજા લીધી હતી.
યુવકના અંગો કામ કરતા બંધ થયા
આ આખો મામલો ચીનના ઝેજિયાંગ પ્રાંતનો છે. મૃતક યુવકની ઓળખ અબાઓ તરીકે કરવામાં આવી છે. સઘન તપાસ બાદ સામે આવ્યું કે ન્યૂમોકોકલ ચેપને લીધે યુવકના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી ઝેજિયાંગ પ્રાંતની એક કોર્ટે કંપનીને 20 ટકા મોત માટે જવાબદાર ઠેરવી છે.
છઠ્ઠી એપ્રિલે યુવકે રજા લીધી હતી
મળતી માહિતી અનુસાર, વર્ષ-2023ના ફેબ્રુઆરી મહિનામાં મૃતક યુવક અબાઓએ કંપનાના પેન્ટર તરીકે કરાર કર્યો હતો. ત્યારબાદ અબાઓએ ફેબ્રુઆરીથી મે સુધી સતત 104 દિવસ સુધી સતત કામ કર્યે રાખ્યું. તેને માત્ર છઠ્ઠી એપ્રિલે એક દિવસની રજા લીધી હતી. 25 મેના રોજ તેની તબિયત ઠીક નહોતી. 28મેએ તેની તબિયત ખૂબ કથળી જવા પામી હતી.
યુવક પહેલી જૂને મોતને ભેટયો
નાદુરસ્ત તબિયત થતા સહકર્મીઓએ અબાઓને તાબડતોબ હોસ્પિટલ ખસેડયો હતો. તેને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ફેફસામાં ચેપ છે. તબીબઓએ તેને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળી અને આખરે પહેલી જૂને યુવક મોતને ભેટયો હતો.
પરિવારે કેસ નોંધાવ્યો
મૃતક યુવક અબાઓના પરિવારે કોર્ટમાં કેસ નોંધાવી વળતરની માંગ કરી છે. ત્યારબાદ કોર્ટે પરિવારને કુલ 56 હજાર અમેરિકી ડોલરનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. હવે આ કંપનીઓ રકમ મૃતક યુવકના પરિવારને ચુકવવી પડશે.