ઑકટોબર મહિનામાં નવરાત્રીથી દિવાળી સુધીની તહેવારોની સિઝનને કારણે લોકોને ભારે ખરીદીનો લાભ સરકારને હવે મળ્યો છે. સરકારના જીએસટી કલેક્શનમાં ઉછાળો આવ્યો છે અને તે રૂપિયા 1.87 લાખ કરોડને પાર કરી ગયો છે. દેશમાં ગત ઑક્ટોબર મહિનો તહેવારોની સિઝન રહી હતી. લોકોએ દિવાળીના તહેવાર અને લગ્નસરાની ખૂબ ખરીદી કરી છે. આનાથી સરકારી તિજોરીને પણ ફાયદો થયો છે અને તેના GST કલેક્શનમાં જોરદાર વધારો થયો છે.
રિફંડ પછી ટેક્સ કલેક્શન આટલું થયું
દર મહિનાના પહેલા દિવસે સરકાર અગાઉના મહિનામાં જીએસટીમાંથી સરકારી તિજોરીમાં મળેલા નાણાંનો હિસાબ જાહેર કરે છે. જો કે, જ્યારે GST કલેક્શનના અંતિમ ડેટાની ગણતરી કરવામાં આવે છે, ત્યારે તેમાં રિફંડની પણ ગણતરી કરવામાં આવે છે.
રિફંડ બાદ ઑક્ટોબર-2024માં સરકારનું GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા થશે. આ ઓક્ટોબર 2023ના નેટ GST કલેક્શન કરતાં પણ 8 ટકા વધુ છે.
જીએસટીમાં ટૂંક સમયમાં ફેરફાર થશે
આગામી દિવસોમાં GST ટેક્સ સિસ્ટમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. તેનું કારણ GST કાઉન્સિલના મંત્રીઓના બે જૂથોની તાજેતરની બેઠક અને GST કાઉન્સિલને તેમનો અહેવાલ સુપરત કરવાનો છે. જેમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી હટાવવા સંબંધિત નિર્ણય છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં બનેલા મંત્રીઓના જૂથની બેઠકમાં એ વાત પર સહમતિ થઈ છે કે દેશના વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ કરમુક્ત કરી શકાય છે.
તે જ સમયે, GST દરોને તર્કસંગત બનાવવાની ભલામણ કરનારા પ્રધાનોના જૂથે કહ્યું છે કે 20 લિટર પાણીની બોટલ, સાયકલ અને પ્રેક્ટિસ નોટબુક પર GST ટેક્સ દર ઘટાડીને 5 ટકા કરવામાં આવશે દેશમાં બોટલ પર 18 ટકા જીએસટી લાગુ છે.
આ સિવાય મિનિસ્ટર્સ ગૃપના રિપોર્ટમાં પ્રેક્ટિસ નોટબુક પરનો જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા, 10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પરનો જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા અને શૂઝ પરનો જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. રૂપિયા 15,000 અને રૂપિયા 25,000થી વધુની કિંમતની કાંડા ઘડિયાળો પર જીએસટી દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવાની વાત પણ કરવામાં આવી છે.