- અમેરિકાથી નિકાસ કરેલા ચોખામાં આર્સેનિકનું ખતરનાક પ્રમાણ મળ્યું
- મિશિગન યુનિવર્સિટીની એક સંશોધન ટીમે આ ખુલાસો કર્યો છે
- વિશ્વમાં ચોખાની નિકાસમાં ભારતનો ફાળો સૌથી વધુ
ભારતે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના કારણે અમેરિકાથી ચોખાનો વપરાશ વધ્યો. જો કે, એક સંશોધનમાં સામે આવ્યું છે કે અમેરિકાથી નિકાસ કરાયેલા ચોખામાં આર્સેનિકની ખતરનાક માત્રા મળી આવી છે. આ ઉપરાંત તેમાં કેડમિયમ અને અન્ય ભારે ધાતુઓ પણ મળી આવી છે. આ ઝેરી રસાયણો માનવ શરીરમાં કેન્સર અને હૃદય સંબંધિત રોગોનું જોખમ અનેકગણું વધારી શકે છે. ગરીબ કેરેબિયન રાષ્ટ્ર હૈતીમાં મોકલવામાં આવેલા અમેરિકન ચોખાના કન્સાઈનમેન્ટમાંથી મિશિગન યુનિવર્સિટીની એક સંશોધન ટીમે આ ખુલાસો કર્યો છે.
ભારે અછત વચ્ચે હૈતી અમેરિકાથી ચોખાની આયાત કરી રહ્યું છે. વિશ્વમાં ચોખાની નિકાસમાં ભારતનો ફાળો સૌથી વધુ છે. પરંતુ, સ્થાનિક માંગને ધ્યાનમાં રાખીને, ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખાનો નિકાસકાર દેશ છે, પરંતુ ભારતે જુલાઈ 2023માં બિન-બાસમતી અને તૂટેલા સફેદ ચોખા પર પ્રતિબંધ મૂક્યો હતો અને 20 ટકા ડ્યૂટી સાથે માત્ર પરબેલા ચોખાના શિપમેન્ટને મંજૂરી આપી હતી. બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત પણ પ્રતિ ટન $950 છે, જેની નીચે કોઈ કરાર રજીસ્ટર થઈ શકતો નથી.













