ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા શાહ આજે લગ્નના તાંતણે બંધાશે. અમદાવાદમાં લગ્ન થવાના છે. મળતી માહિતી મુજબ 300 મહેમાનોને આમંત્રણ અપાયુ છે. લગ્નને લઇને કોઇ મોટા સેલિબ્રિટી કે મહેમાનોને બોલાવાયા નથી. પરંતુ લગ્ન પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જીત અદાણી અને પરિવાર ડાન્સ કરતા જોવા મળે છે.
ભાંગડા કરતા જોવા મળ્યા જીત અદાણી
પ્રખ્યાત ગાયક દલેર મહેંદીના પુત્ર ગુરદીપ મહેંદી સોંગ ગાઇ રહ્યા છે. જેમાં વરરાજા ઢોલના તાલ પર પંજાબી ભાંગડા પર નાચતા જોવા મળે છે. ગુરદીપ મહેંદીએ પોતાના પર્ફોમન્સથી લોકોને ડોલાવી દીધા હતા. ગુરદીપે 'ઢોલ બાજે દમ દમ' ગીત પર પરફોર્મ કર્યું. જેના પર સમગ્ર અદાણી પરિવાર અને ત્યાં હાજર બધા મહેમાનો નાચતા જોવા મળ્યા. આ પછી, ગુરદીપ સાથે દુલ્હા અને દુલ્હન પણ ઢોલના તાલ પર પંજાબી ભાંગડા પર નાચતા જોવા મળ્યા હતા.
કેટલા આવશે મહેમાનો ?
મહત્વનું છે કે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પોતાના પરિવાર સાથે ગંગા આરતી કર્યા પછી, ગૌતમ અદાણીએ કહ્યું હતું કે મારો ઉછેર અને કામ કરવાની રીત એક સામાન્ય મજૂર વર્ગના વ્યક્તિ જેવી છે. જીત પણ અહીં માતા ગંગાના આશીર્વાદ લેવા આવ્યો છે. લગ્ન એક સાદા અને પરંપરાગત કૌટુંબિક સમારંભમાં થશે. આમાં સેલિબ્રિટીઓનો સમાવેશ થશે નહીં. અહેવાલો અનુસાર લગ્નમાં મહેમાનોની સંખ્યા 300 થી વધુ થવાની અપેક્ષા નથી. જો કે હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
જીત અદાણી ક્યાં લગ્ન કરશે?
જીત અદાણી અને દિવા શાહના લગ્ન પહેલાના સેલિબ્રેશન 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયા છે. જ્યારે લગ્ન સમારોહ આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ અમદાવાદમાં થવાનો છે. આ લગ્ન સાદગીથી થશે.
લગ્ન કેટલા ખાસ હશે?
જીત અને દિવાના લગ્નને સંપૂર્ણપણે લો પ્રોફાઇલ રાખવાના પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં, દેશના વિવિધ ભાગોમાંથી કલાકારો આ લગ્નમાં આવી રહ્યા છે. જેના કારણે સમગ્ર સમારોહમાં ભારતીયતાની ઝલક જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ લગ્નમાં મહેમાનોને આપવા માટે નાસિક અને મહારાષ્ટ્રથી પૈઠણી સાડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ લગ્નમાં જોધપુરના બીબાજી ચૂડીવાલાની પરંપરાગત બંગડીઓ પણ ખનકતી જોવા મળી શકે છે.
લગ્ન પહેલા 'મંગલ સેવા'નો સંકલ્પ
નવી સફર શરૂ કરતા પહેલા જીત અને દિવાએ એક મોટો નિર્ણય લીધો છે. તેઓએ દિવ્યાંગ બહેનો અને નવપરિણીત દિવ્યાંગ યુગલોને મદદ કરવા માટે 'મંગલ સેવા' કાર્યક્રમની જાહેરાત કરી. લગ્નના બે દિવસ પહેલા બુધવારે જીત અદાણી આવા 21 નવપરિણીત યુગલોને મળ્યા હતા. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપતા કહ્યું કે, ખૂબ જ ખુશીની વાત છે કે મારો પુત્ર જીત અને પુત્રવધૂ દિવા એક ઉમદા પહેલ સાથે તેમના લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
હું ખૂબ સંતુષ્ટ છું કે...
મંગલ સેવા સંકલ્પ વિશે માહિતી આપતા ગૌતમ અદાણીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે જીત અને દિવાએ દર વર્ષે 500 અપંગ બહેનોના લગ્ન માટે 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાનું નક્કી કર્યું છે.' એક પિતા તરીકે તેઓ જે શુભ સેવા કરી રહ્યા છે તેનાથી હું ખૂબ જ સંતુષ્ટ છું. મને વિશ્વાસ છે કે આ પ્રયાસ દ્વારા ઘણી અપંગ દીકરીઓ અને તેમના પરિવારોનું જીવન સુખ, શાંતિ અને સન્માન સાથે આગળ વધશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જીત અને દિવાને સેવાના આ માર્ગ પર આગળ વધવા માટે આશીર્વાદ અને શક્તિ આપે.













