અદાણી ગ્રુપ જલદી જ વધુ એક મોટી કંપની ખરીદવાની તૈયારીમાં છે. આ વખતે અદાણી ગ્રુપે દેવાદારીમાંથી પસાર થઈ રહેલી કંપની જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ પર 12,500 કરોડ રૂપિયા દાવ પર લગાવવાનો નિર્ણય લીધો છે. એક અહેવાલ મુજબ અદાણી ગ્રુપ JALને ખરીદવા માટે સૌથી મોટી બોલી લગાવનારી કંપની છે.
અદાણી ગ્રુપે એડવાન્સમાં 8000 કરોડ રૂપિયાથી વધુનું પેમેન્ટ કરવા માટે પણ ઓફર કરી
મળતી માહિતી મુજબ અદાણી ગ્રુપે એડવાન્સમાં 8000 કરોડ રૂપિયાથી વધુનું પેમેન્ટ કરવા માટે પણ ઓફર કરી છે. ઉલ્લેખનીય છે કે JALને ખરીદવા માટેની લાઈનમાં ડાલમિયા ગ્રુપ, JSPL, વેદાંતા અને પીએનસી ઈન્ફ્રાટેક પણ સામેલ છે. આ તમામમાં અદાણી ગ્રુપ વધુ બોલી લગાવવામાં સૌથી આગળ છે. તમને જણાવી દઈએ કે જયપ્રકાશ એસોસિએટ્સ એક મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જે રિયલ એસ્ટેટ, સિમેન્ટ, પાવર અને હોટલ જેવા ઘણા અલગ અલગ સેક્ટરોમાં ફેલાયેલી છે.
25 બેન્કે મળીને JALને 48,000 કરોડ રૂપિયાની લોન આપી
JALના સિમેન્ટ પ્લાન્ટની કેપેસિટી 10 મિલિયન ટન છે. કંપનીની પાસે 5 હોટલ્સની સાથે એક કારખાનું પણ છે. તે સિવાય નોઈડા એક્સપ્રેસ વે પર 2500 એકર જમીન અને બુધ્ધ નેશનલ સર્કિટ પણ JALની જ છે. જ્યાં પહેલા ફોર્મ્યુલા 1 વન થતી હતી. જો કે હાલમાં કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે, તેની પર ઘણા બધી બેન્કોની લોન છે. ટોટલ 25 બેન્કે મળીને JALને 48,000 કરોડ રૂપિયાની લોન આપી હતી. જેમાં પંજાબ નેશનલ બેન્ક અને IDBI બેન્ક પણ સામેલ છે.
કેમ અદાણી ગ્રુપ તત્પર છે કંપની ખરીદવામાં?
જયપ્રકાશ એસોસિએટ્સને ખરીદવામાં ઘણી મોટી કંપનીઓ રસ દાખવી રહી છે. અદાણી ગ્રુપ સિમેન્ટ, રિયલ એસ્ટેટ જેવા સેક્ટોરમાં પોતાનો બિઝનેસ વધારવા માટે ઈચ્છે છે, તેથી કંપનીને ખરીદવા માટે ઈચ્છી રહી છે. JALને ખરીદવાથી મધ્ય અને ઉત્તર ભારતમાં અદાણી ગ્રુપને પોતાની પકડ મજબૂત બનાવવામાં મદદ મળશે. જણાવી દઈએ કે જેએએલના શેરની કિંમત માત્ર 3 રૂપિયા છે, તેની સામે Trading Restrictedનો મેસેજ જોઈ શકાય છે, ત્યારે બની શકે કે અદાણી ગ્રુપ દ્વારા આ કંપનીનું અધિગ્રહણ કર્યા બાદ કંપનીના શેરમાં તેજી આવી શકે છે.