એક સમયે દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના અચ્છે દિન આવી ગયા છે. તેઓ ફરી એકવાર શેરબજારમાં પોતાનો દમ દેખાડી રહ્યા છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરે શેરબજારમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. રોકાણકારો હેરાન પણ છે અને ખુશ પણ એટલા જ છે. છેલ્લા 13 ટ્રેડિંગ સત્રોમાં રિલાયન્સ પાવરના શેરમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. 10 જૂન, 2025 ના રોજ શેર ફરી એકવાર 10% ઉછળીને ₹34.84 ના સ્તરે પહોંચ્યો હતો જે 52 અઠવાડિયામાં તેનો ઉચ્ચતમ સ્તર પણ છે.
આમ થવાનું કારણ શું?
માર્કેટ નિષ્ણાતો માને છે કે કંપનીની બેલેન્સ શીટમાં સુધારો, દેવા ઘટાડવાના પ્રયાસો અને સકારાત્મક રોકડ પ્રવાહની અપેક્ષાઓને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. ઉપરાંત, અનિલ અંબાણીના નેતૃત્વમાં કંપનીના વ્યવસાય પુનર્ગઠન અને વ્યૂહાત્મક નિર્ણયોએ પણ શેરને વેગ આપ્યો છે.
રોકાણકારોને કેટલો થયો ફાયદો?
જો કોઈ રોકાણકારે બે અઠવાડિયા પહેલા આ શેરમાં ₹1 લાખનું રોકાણ કર્યું હોત તો હવે તેનું મૂલ્ય ₹2.3 લાખ રૂપિયાથી વધુ હોત. એટલે કે, ફક્ત 13 દિવસમાં 130% થી વધુ વળતર આપ્યુ છે. જે કોઈપણ સ્મોલકેપ સ્ટોક માટે જબરદસ્ત માનવામાં આવે છે.
તો શું રોકાણ કરવું જોઇએ ?
નિષ્ણાંતોના મતે આટલી ઝડપી તેજી બાદ હવે નફાની બુકિંગ પણ જોઈ શકાય છે. જોકે, લાંબા ગાળાના રોકાણકારોએ હજુ પણ કંપનીના નાણાકીય પ્રદર્શન અને ભવિષ્યની યોજનાઓ પર નજર રાખવી જોઈએ.
માત્ર રિલાયન્સ પાવર જ નહીં પરંતુ અનિલ અંબાણીની બીજી કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. જે સૂચવે છે તે અનિલ અંબાણી જૂથની કંપનીઓમાં રોકાણકારોનો રસ ફરી વધી રહ્યો છે.
કેટલી છે નેટવર્થ ?
10 માર્ચ, 2025 સુધીમાં અનિલ અંબાણીની કુલ સંપત્તિ આશરે $530 મિલિયન એટલે કે 4 હજાર કરોડ હોવાનો અંદાજ છે. જ્યારે તેમના રિલાયન્સ પાવરનું બજાર મૂલ્ય રૂ. 166.06 બિલિયન ડોલર છે.