છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે ટાટા મોટર્સ દ્વારા માત્ર રૂ.59,000ની કિંમતમાં એક નવી 125સીસીની બાઇક લોન્ચ કરવામાં આવી છે. જે 90 kmplની માઇલેજ આપે છે. આ સમાચાર જોઈને ઘણા યુવાનો અને ગ્રાહકો ઉત્સાહિત છે. પરંતુ હકીકત એ છે કે આ ખબર તદ્દન ખોટી અને પાયાવિહોણી છે.


શું છે વાયરલ ખબરની સચ્ચાઈ?

ટાટા મોટર્સ તરફથી ટુ-વ્હીલર માર્કેટમાં પ્રવેશ કરવા અંગે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. કંપની પાસે હાલમાં ટુ-વ્હીલર બનાવવાની કોઈ ઉત્પાદન સુવિધા પણ નથી. ભારતનું ટુ-વ્હીલર બજાર પહેલેથી જ બજાજ, ટીવીએસ, હીરો, હોન્ડા જેવી દિગ્ગજ કંપનીઓના કબજામાં છે. આ માર્કેટમાં એકલા પ્રવેશવું ટાટા માટે સહેલું નથી. જો ટાટા ખરેખર આવું વિચારી રહી હોત તો તે ચોક્કસપણે કોઈ મોટી કંપની સાથે ભાગીદારી કરત, જે અત્યાર સુધી જોવા કે સાંભળવા મળી નથી. માટે સ્પષ્ટ છે કે ટાટા બાઇક લોન્ચ કરી રહી હોવાના દાવા બનાવટી છે અને માત્ર વાયરલ કન્ટેન્ટના ભાગ રૂપે ફેલાવવામાં આવી રહ્યા છે.

ટાટા મોટર્સ શેના પર ફોકસ કરી રહ્યું છે?

ટાટા મોટર્સ હાલમાં માત્ર પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની આ મહિને પોતાની આઇકોનિક એસયુવી ટાટા સિયેરાને ફરીથી લોન્ચ કરવા જઈ રહી છે. ભવિષ્યમાં ટાટાના લક્ઝરી ઇલેક્ટ્રિક વ્હીકલ બ્રાન્ડ અવિન્યાના મોડલ પણ બજારમાં જોવા મળશે. માટે અમે વાચકોને સલાહ આપીશું કે સોશિયલ મીડિયા પર દેખાતા કોઈપણ પ્રકારના સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા એકવાર તેના અધિકૃત સોર્સ અને સત્યતાની તપાસ કરવી જરૂરી છે.


  • Follow us on: