ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાત થતાં જ વિદેશી રોકાણકારો ભારત તરફ ધસી આવશે, આ પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. નિષ્ણાતો માનતા હતા તે મુજબ ગયા અઠવાડિયે આનું સ્પષ્ટ ઉદાહરણ શેરબજારમાં જોવા મળ્યું છે. સતત ત્રણ મહિનાની ભારે વેચવાલી બાદ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ચોખ્ખા ખરીદદારો બન્યા છે.
સુધારેલા જોખમની ધારણા અને યુએસ સાથેના વેપાર કરારથી પ્રેરિત થઈને તેમણે ભારતીય માર્કેટમાં રૂપિયા 8,100 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. નિષ્ણાતોના મતે આ માત્ર શરૂઆત છે. આગામી દિવસોમાં આ આંકડો વધુ વધી શકે છે. જો આ ગતિ ચાલુ રહી તો ફેબ્રુઆરીમાં શેરબજારમાં વિદેશી રોકાણકારોનું રોકાણ રૂપિયા 25,000 કરોડને વટાવી શકે છે.
3 મહિના બાદ આવ્યું મોટું રોકાણ
મળતી માહિતી મુજબ FPIsએ આ મહિને (6 ફેબ્રુઆરી સુધીમાં) રૂપિયા 8,129 કરોડનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર તાજેતરના મહિનાઓમાં સતત ઉપાડના સમયગાળા પછી આ રોકાણ આવ્યું છે. FPIsએ જાન્યુઆરીમાં રૂપિયા 35,962 કરોડ, ડિસેમ્બરમાં રૂપિયા 22,611 કરોડ અને નવેમ્બરમાં રૂપિયા 3,765 કરોડ પાછા ખેંચ્યા હતા. એકંદરે, FPIsએ 2025માં ભારતીય ઈક્વિટીમાંથી ચોખ્ખા રૂપિયા 1.66 લાખ કરોડ પાછા ખેંચ્યા હતા. આ ઉપાડ ચલણના વધઘટ, વૈશ્વિક વેપાર તણાવ, યુએસ ટેરિફ અંગેની ચિંતાઓ અને ઉચ્ચ ઈક્વિટી મૂલ્યાંકનને કારણે થયા હતા.
ડોલર સામે રૂપિયામાં સુધારો થયો
બજારના સેન્ટિમેન્ટને સુધારવામાં રૂપિયાની મજબૂતાઈએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ડોલર સામે રૂપિયો 90.30 ના રેકોર્ડ નીચા સ્તરેથી મજબૂત બન્યો હતો, જોકે 6 ફેબ્રુઆરીના રોજ બજાર બંધ થતાં સુધીમાં તે ઘટીને 90.70 ની આસપાસ આવી ગયો હતો. તેમણે કહ્યું કે રૂપિયો સ્થિર થવાની અને માર્ચ 2026ના અંત સુધીમાં ધીમે ધીમે 90 પ્રતિ ડોલરથી નીચે જવાની અપેક્ષા છે, જેના કારણે વિદેશી સીધા રોકાણ (FPI)નો પ્રવાહ વધુ આવી શકે છે.
આ પણ વાંચો : Business : ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા, શેરબજારે કરાવી 4.55 લાખ કરોડ રૂપિયાની કમાણી
ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.