વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ જૂન 2026ના પ્રથમ બે અઠવાડિયામાં ભારતીય શેરબજારમાંથી ₹62,853 કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. વધતા ભૂ-રાજકીય તણાવ, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતાઓ અને રૂપિયાની સતત નબળાઈ તેના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે.
કુલ ₹2.87 લાખ કરોડની વેચવાલી કરી
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના આંકડા મુજબ, વર્ષ 2026માં અત્યાર સુધી FPIએ ભારતીય શેરબજારમાંથી કુલ અંદાજે ₹2.87 લાખ કરોડની વેચવાલી કરી છે. તુલનાત્મક રીતે, સમગ્ર વર્ષ 2025 દરમિયાન વિદેશી રોકાણકારોએ ₹1.66 લાખ કરોડના ભારતીય શેર વેચ્યા હતા. આગામી સપ્તાહોમાં FPIનું વલણ અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો, અમેરિકાની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ના વ્યાજદર સંબંધિત નિર્ણયો, બેંક ઓફ જાપાનની નીતિ અને અન્ય મોટા કેન્દ્રીય બેંકોની ટિપ્પણીઓ પર આધારિત રહેશે.
ફેબ્રુઆરી સિવાય દરેક મહિને વેચવાલી
આંકડા દર્શાવે છે કે 2026માં ફેબ્રુઆરી એકમાત્ર એવો મહિનો રહ્યો જેમાં FPIએ ભારતીય બજારમાં નેટ રોકાણ કર્યું હતું.
- જાન્યુઆરીમાં ₹35,962 કરોડની વેચવાલી
- ફેબ્રુઆરીમાં ₹22,615 કરોડનું રોકાણ
- માર્ચમાં રેકોર્ડ ₹1.17 લાખ કરોડની વેચવાલી
- એપ્રિલમાં ₹60,847 કરોડની ઉપાડ
- મેમાં ₹32,963 કરોડની વેચવાલી
- જૂનના પ્રથમ બે અઠવાડિયામાં જ ₹62,853 કરોડની વેચવાલી
ફેબ્રુઆરીમાં થયેલું રોકાણ અગાઉના 17 મહિનામાં સૌથી મોટું માસિક રોકાણ હતું, પરંતુ ત્યારબાદ ફરી વેચવાલીનો દોર શરૂ થયો.
રૂપિયાની નબળાઈથી પણ વધ્યો દબાણ
બજાર નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય રૂપિયામાં સતત ઘટાડો પણ FPIની વેચવાલી પાછળનું મહત્વનું કારણ છે. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધી રૂપિયો અમેરિકન ડોલર સામે લગભગ 6 ટકા નબળો પડ્યો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં તેમાં આશરે 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. રૂપિયાની નબળાઈના કારણે વિદેશી રોકાણકારોને ચલણ વિનિમયમાં નુકસાન થવાની શક્યતા વધે છે, જેના કારણે તેઓ ભારતીય બજારમાંથી નાણાં બહાર કાઢવાનું પસંદ કરે છે. આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, કેન્દ્રીય બેન્કોના નિર્ણયો અને ભૂ-રાજકીય ઘટનાઓ FPIના રોકાણના રૂખને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો : Business News : ICICI બેન્કે 5 દિવસમાં જ રોકાણકારોને કરાવી 56,000 કરોડની કમાણી, જાણો અન્ય ટોપ 9 કંપનીઓની સ્થિતિ
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.