કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા (કૅટ) ના મતે, આ પગલાં માત્ર કર માળખાને સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ નાગરિકોને રાહત, નાના વેપારીઓને બળ અને ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપશે. કૅટના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકના સાંસદ શ્રી પ્રવીન ખંડેલવાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને દેશભરના લાખો વેપારીઓ તરફથી આ પગલાં બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 400થી વધુ નિત્ય ઉપયોગી વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવાથી સામાન્ય નાગરિકના રોજિંદા જીવનમાં નાણા બચશે અને વેપાર વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
તહેવાર પહેલાં મોટી રાહત
શ્રી ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારતીય સ્ટેટ બેંક (SBI)ની રિપોર્ટ મુજબ, આ સુધારાઓ ઘરમાં ઉપભોગ વધારશે. રિપોર્ટના અનુસંધાનમાં અનુમાન છે કે તહેવારના આવનારા મોસમમાં દેશભરમાં ઘરેલું ખર્ચમાં 7 થી 8 ટકા સુધી વૃદ્ધિ થવાની શક્યતા છે. આ વધેલી માગથી નાના દુકાનદારો અને રિટેલ વેપારીઓને સીધો લાભ મળશે.
મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકોને વીમામાં રાહત
સરકાર દ્વારા વીમા સેવાઓને જીએસટીમાંથી મુક્ત કરવાના નિર્ણયને પણ કૅટે સરાહ્યું છે. શ્રી ખંડેલવાલે જણાવ્યું હતું કે આરોગ્ય અને જીવન વીમાની પૉલિસી હવે વધુ સસ્તી બનશે, જે ખાસ કરીને કોરોના પછીના સમયમાં સામાન્ય પરિવારો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ પગલાથી વીમા કવરેજ વધશે અને વધુ લોકો બીમાની સરક્ષાને અપનાવશે.
આર્થિક પ્રવૃત્તિમાં ઉછાળો અપાવનારા સુધારા
શ્રી ખંડેલવાલે કહ્યું કે ઘટેલા જીએસટી દરો ગ્રાહકોને વધુ ખરીદી માટે પ્રોત્સાહિત કરશે, જેને કારણે બજારમાં માગમાં વધારો થશે. આ માગનો લાભ નાના વેપારીઓ, રિટેલર્સ તેમજ હોલસેલ વેપારીઓને મળશે. ઉદ્યોગોને વધતી માગ પૂરી કરવા માટે ઉત્પાદન વધારવું પડશે, જેના કારણે રોજગારમાં વધારો અને ઔદ્યોગિક વિકાસ થશે. જીએસટીમાં બે મુખ્ય દરો રાખવાના નિર્ણયથી વ્યવસ્થા વધુ સરળ બનશે અને ટેક્સ સંકલન વધુ અસરકારક થશે. તેનાથી નાણાકીય સ્થિરતા અને વ્યવસાયમાં વિશ્વાસ પણ વધશે.
જિડીપીમાં પણ થશે અસર
વિશ્લેષકોના અનુમાન મુજબ, આ સુધારાઓ ભારતની જીડીપી પર પણ પોઝિટિવ અસર કરશે. ઉપભોગ અને ઔદ્યોગિક વૃદ્ધિના પરિણામે આગામી નાણાકીય વર્ષે દેશના જીડીપીમાં 0.5% થી 0.7% સુધીનો વધારો નોંધાઈ શકે છે, જે ભારતની વૈશ્વિક આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
આ સુધારા એક નવા યૂગની શરૂઆત – ખંડેલવાલ
આ સુધારાઓને માત્ર ટેક્સ ચેન્જ તરીકે નહીં, પણ દેશના વેપાર માટે એક સુવર્ણ યૂગની શરૂઆત તરીકે દર્શાવતા શ્રી ખંડેલવાલે જણાવ્યું કે "આ પગલાં આત્મનિર્ભર ભારતની દિશામાં એક મજબૂત પગથિયું છે. આવનારા સમયમાં તેનો અસર સમગ્ર રાષ્ટ્રીય આર્થિક વિકાસ પર સ્પષ્ટપણે જોવા મળશે."