ભારતની અગ્રણી એરલાઈન્સ ઈન્ડિગોએ ફરી એકવાર ફ્યુઅલ સરચાર્જમાં વધારો જાહેર કર્યો છે, જેના કારણે હવાઈ મુસાફરી મોંઘી બનવાની છે. કંપનીએ જણાવ્યું છે કે વધેલા ટિકિટના દર 2 એપ્રિલથી અમલમાં આવશે અને તેનો પ્રભાવ ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ બંને ફ્લાઇટ્સ પર પડશે.


રૂપિયા 275થી લઈને રૂપિયા 10,000 સુધીનો વધારો

નવી જાહેરાત મુજબ ટિકિટના ભાવમાં રૂપિયા 275થી લઈને રૂપિયા 10,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને લાંબા અંતરના ઈન્ટરનેશનલ રૂટ્સ પર મુસાફરી કરતા યાત્રીઓને વધુ ખર્ચ સહન કરવો પડશે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે પણ ભાડામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 25 ટકા સુધીના વધારાની મંજૂરી આપવામાં આવી છે.

આ કારણે ફ્યુઅલ સરચાર્જ વધારવો જરૂરી બન્યો

કંપનીના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે વધતા ઈંધણના ભાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. એરલાઈન ક્ષેત્રમાં વધતા ઓપરેશનલ ખર્ચને સંતુલિત કરવા માટે ફ્યુઅલ સરચાર્જ વધારવો જરૂરી બન્યો છે. આ પહેલાં પણ કંપનીએ આવો વધારો કર્યો હતો, જે બાદ મુસાફરોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

મુસાફરોની સંખ્યામાં થશે ઘટાડો

નિષ્ણાતોના મતે વધેલા ભાડાનો સીધો પ્રભાવ મુસાફરોની સંખ્યામાં ઘટાડા રૂપે જોવા મળી શકે છે. ખાસ કરીને સામાન્ય મુસાફરો માટે હવાઈ મુસાફરી વધુ મોંઘી બની શકે છે. બીજી તરફ, જો ઈંધણના ભાવમાં ઘટાડો થશે તો ભવિષ્યમાં ટિકિટના દરમાં રાહત મળી શકે છે. હાલમાં મુસાફરોને કહેવામાં આવ્યું છે કે તેઓ ટિકિટ બુક કરતા પહેલા નવા ભાવ તપાસી લે અને પોતાની મુસાફરીનું આયોજન કરે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Hike : નાયરા બાદ આ કંપનીએ પેટ્રોલમાં 7 અને ડીઝલમાં 25 રૂપિયાનો કર્યો વધારો!


  • Follow us on: