વર્ષ 2025 દરમિયાન શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી, બીજી તરફ કિંમતી અને ઔદ્યોગિક ધાતુઓએ ઉત્તમ રિટર્ન આપીને રોકાણકારોને આકર્ષ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં, સોનાએ લગભગ 70 ટકાનું મજબૂત રિટર્ન આપ્યું છે, જ્યારે ચાંદીએ બધા પરંપરાગત રોકાણ વિકલ્પોને પાછળ છોડી દીધા છે અને લગભગ 130 થી 140 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે, જે રિટર્નની દ્રષ્ટિએ તેને વર્ષની શ્રેષ્ઠ સંપત્તિ બનાવે છે.


હાઈ રિટર્નની રેસમાં હવે તાંબુ

હાઈ રિટર્નની આ રેસમાં તાંબુ પણ પાછળ નહોતું, પ્રમાણમાં ઓછું ચર્ચામાં હોવા છતાં તેણે 2025 માં લગભગ 36 ટકાનું મજબૂત રિટર્ન આપીને રોકાણકારોને ચોંકાવ્યા છે. ચાંદીના ભાવમાં તીવ્ર વધારાનું સૌથી મોટું કારણ ઔદ્યોગિક માંગમાં ઝડપી વધારો હોવાનું માનવામાં આવે છે, કારણ કે સૌર ઉર્જા, ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જ્યારે તેની સરખામણીમાં પુરવઠો અપેક્ષિત સ્તર સુધી પહોંચ્યો નથી.

આ અસંતુલનને કારણે કિંમતોમાં વધારો થયો છે અને આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ લગભગ 2 લાખ રૂપિયાથી ઉપર પહોંચી ગયો છે, જેમાં સલામત રોકાણ વિકલ્પ તરીકે વધતી માંગે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તાંબાને પણ હવે માર્કેટનો નવો કિંગ માનવામાં આવી રહ્યો છે. કેમ કે ઔદ્યોગિકીકરણની સાથે સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણે તેની માગ નવી ઉંચાઈએ પહોંચાડી દીધી છે.

જાણો શું કહે છે એક્સપર્ટ

નિષ્ણાતોના મતે, AI ના વધતા ઉપયોગને કારણે, મોટા પાયે ડેટા સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે, જેમાં મોટી માત્રામાં તાંબાની જરૂર પડે છે, અને આ જ કારણ છે કે પુરવઠો માંગ કરતા પાછળ રહી રહ્યો છે. સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે વર્ષ 2025માં તાંબાનો પુરવઠો લગભગ 1.24 લાખ ટન ઓછો હતો અને આ અછત 2026માં વધીને લગભગ 1.5 લાખ ટન થઈ શકે છે.

બજારના નિષ્ણાતો માને છે કે જેમ સોના અને ચાંદીએ પોતાની ચમક બતાવી છે, તેવી જ રીતે આગામી સમયમાં, તાંબુ પણ નવા રેકોર્ડ ભાવ બનાવી શકે છે અને રોકાણકારો માટે એક મજબૂત તક તરીકે ઉભરી શકે છે.


આ પણ વાંચો : PF Withdrawal: નોકરીયાતો માટે સારા સમાચાર! 2026થી EPFO પૈસા ઉપાડવાની પ્રક્રિયા બનશે સરળ

  • Follow us on: