શેરબજારમાં સોમવારે રબર કેમિકલ ઉત્પાદક કંપની NOCILના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી. કંપનીના શેરમાં 19.64 ટકાનો ઉછાળો નોંધાયો, જેના કારણે શેરનો ભાવ વધીને ₹190.25 સુધી પહોંચી ગયો. આ તેજી પાછળ કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લગાવવાની જાહેરાત
ભારત સરકારે ચીન, અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU)માંથી આયાત થતા 'સલ્ફોનામાઇડ એક્સેલેરેટર્સ' પર આગામી પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયનો હેતુ ભારતીય ઉદ્યોગોને વિદેશી કંપનીઓની અયોગ્ય સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો છે. વિદેશી કંપનીઓ લાંબા સમયથી ભારતીય બજારમાં આ કેમિકલ્સ ખૂબ જ ઓછા ભાવે વેચી રહી હતી, જેના કારણે સ્થાનિક ઉત્પાદકોના નફા અને માર્કેટ શેર પર અસર પડી રહી હતી. હવે એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાગુ થતાં આયાતી માલ મોંઘો બનશે અને સસ્તી આયાત પર અસરકારક નિયંત્રણ આવશે.
ભારતની સૌથી મોટી રબર કેમિકલ ઉત્પાદક કંપની
આ નિર્ણયનો સૌથી મોટો લાભ NOCILને મળવાની શક્યતા છે. NOCIL ભારતની સૌથી મોટી રબર કેમિકલ ઉત્પાદક કંપનીઓમાંની એક છે અને તે ‘Pilcure’ બ્રાન્ડ હેઠળ સલ્ફોનામાઇડ એક્સેલેરેટર્સનું મોટા પાયે ઉત્પાદન કરે છે. આ કેમિકલ્સનો ઉપયોગ ખાસ કરીને ટાયર અને અન્ય રબર ઉત્પાદનોના ઉત્પાદન માટે જરૂરી વલ્કેનાઇઝેશન પ્રક્રિયામાં થાય છે. સરકારના આ પગલાં બાદ સ્થાનિક બજારમાં NOCILની સ્થિતિ વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. કંપનીને બજારમાં વધુ હિસ્સો મળશે તેમજ કિંમતો પર પણ તેની પકડ મજબૂત થશે.
ઉત્પાદનોનું 40થી વધુ દેશોમાં નિકાસ
માર્ચ 2026ના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ કંપનીમાં સ્થાનિક અને વિદેશી સંસ્થાગત રોકાણકારોનો સારો વિશ્વાસ જોવા મળે છે. NOCIL પોતાના ઉત્પાદનોનું 40થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે. બજાર નિષ્ણાતોના મતે સરકારના આ નિર્ણયથી કંપનીના નફા, આવક અને ભવિષ્યના વિકાસને વધુ ગતિ મળી શકે છે, જેના કારણે રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Business News : આ અઠવાડિયે ટોપ 10 કંપનીમાંથી 9 કંપનીનું માર્કેટકેપ 2.15 લાખ કરોડ વધ્યું
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.