ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે 2,000 રૂપિયાની નોટ પર એક મોટી અપડેટ આપી છે. રિઝર્વ બેંકે કહ્યું કે ચલણમાંથી દૂર થયાના 2 વર્ષ પછી પણ 6,017 કરોડ રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે. બે હજાર રૂપિયાની નોટો હજુ પણ કાયદેસર ટેન્ડર છે. RBI એ 19 મે 2023માં 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 19 મે 2023 સુધીમાં ચલણમાં રહેલી 2,000 રૂપિયાની બેંક નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું, જે 31 જુલાઈ, 2025 સુધીમાં ઘટીને 6,017 કરોડ રૂપિયા થઈ ગયું છે. 19 મે 2023 સુધીમાં ચલણમાં રહેલી 2,000 રૂપિયાની નોટો 98.31 ટકા બેંકમાં પરત આવી ગઈ છે.  રિઝર્વ બેંકની 19 ઇશ્યુ ઓફિસોમાં બે હજાર રૂપિયાની બેંકમાં નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ છે.


આ રીતે નોટો જમા કરાવી શકો

9 ઓક્ટોબર 2023 થી, રિઝર્વ બેંકની ઇશ્યુ ઓફિસો પણ વ્યક્તિઓ, સંસ્થાઓ પાસેથી 2,000 રૂપિયાની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે સ્વીકારી રહી છે. આ ઉપરાંત, લોકો ભારતીય પોસ્ટ દ્વારા દેશના કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી 2,000 રૂપિયાની નોટો RBI ની કોઈપણ ઇશ્યુ ઓફિસમાં મોકલી રહ્યા છે જેથી તેઓ તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે. આ ઇશ્યુ ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે.

2,000 ની નોટ 2016માં આવી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 ની કલમ 24(1) હેઠળ નવેમ્બર 2016માં 2000 ની નોટ જારી કરવામાં આવી હતી. જ્યારે જૂની 500 અને 1000 ની નોટો બંધ કરવામાં આવી ત્યારે દેશની ચલણ જરૂરિયાતોને ઝડપથી પૂર્ણ કરવાનો મુખ્ય હેતુ હતો. જ્યારે આ હેતુ પૂર્ણ થયો અને અન્ય મૂલ્યોની પૂરતી સંખ્યામાં નોટો ઉપલબ્ધ થઈ, ત્યારે 2018-19 માં 2000 ની નોટોનું છાપકામ બંધ કરવામાં આવ્યું હતું. મોટાભાગની 2000 ની નોટો માર્ચ 2017 પહેલા જારી કરવામાં આવી હતી અને હવે તેમની અપેક્ષિત આયુષ્ય (4-5 વર્ષ) પૂર્ણ થઈ ગઈ છે. એવું પણ જોવા મળ્યું છે કે 2000 ની નોટનો ઉપયોગ સામાન્ય રીતે વ્યવહારોમાં થતો નથી.


  • Follow us on: