- ભવિષ્યમાં ઈલેક્ટ્રિક ઈંધણ વાસ્તવિકતા બનશે
- પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થવાની શક્યતા
- હાઇડ્રોજન ટેકનોલોજી અપનાવવા અપીલ કરી
કેન્દ્રીય મંત્રીના દાવા અનુસાર તમે તમારી કાર કે બાઈક ખરીદવાનું પ્લાનિંગ થોડું ટાળી શકો છો. છેલ્લા કેટલાક દિવસો પહેલા તેઓએ દાવો કર્યો હતો કે આવનારા 2 વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત પેટ્રોલ વાહનોના બરોબર થઈ જશે. પરંતુ ઉપયોગમાં ઈલેક્ટ્રીક વ્હીકલ ફાયદારૂપ રહેશે.
2024 સુધીમાં આવશે ફેરફાર
કેન્દ્રીય મંત્રીની તરફથી કરાયેલી જાહેરાતને લઈને કાર અને બાઈક ચલાવનારાએ ધ્યાનથી લીધી અને સાથે તેની પર ખાસ પ્રતિક્રિયા આપી છે. નીતિન ગડકરીના અનુસાર વર્ષ 2024માં આ સંભવ થવાની આશા છે. તેના પછી અનેક કાર્યક્રમમાં તેઓએ પોતાનો વાયદો રીપિટ કર્યો છે. ગડકરી પોતાની કાર્યશૈલીને લઈને જનતાની વચ્ચે લોકપ્રિય છે. એવામાં લોકો ઈલેક્ટ્રિક વ્હીકલની સસ્તી કિંમતને લઈને આશાન્વિત છે.
ઇલેક્ટ્રિક ઇંધણ ભવિષ્યમાં વાસ્તવિકતા બનશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ટેક્નોલોજી અને ગ્રીન ઈંધણમાં પ્રગતિથી ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલની કિંમતમાં ઘટાડો થશે. આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનો જેટલી થઈ જશે. ગડકરીએ લોકસભામાં આ વાત કહી હતી. કાર્યક્ષમ સ્વદેશી ઇંધણ તરફ વળવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ઈલેક્ટ્રિક ઈંધણ આગામી સમયમાં વાસ્તવિકતા બનશે. તેના પર નિર્ભરતા વધવાથી પ્રદૂષણનું સ્તર ઘટશે.
હાઇડ્રોજન ટેકનોલોજી અપનાવવા વિનંતી
આ સિવાય તેમણે સાથી સાંસદોને હાઈડ્રોજન ટેક્નોલોજી અપનાવવા વિનંતી કરી હતી. તેમણે સાંસદોને પોતપોતાના વિસ્તારોમાં ગટરના પાણીમાંથી ગ્રીન હાઈડ્રોજન બનાવવાની પહેલ કરવા જણાવ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ બની જશે. ગડકરીએ કહ્યું હતું કે, 'લિથિયમ-આયન બેટરીની કિંમત ઝડપથી ઘટી રહી છે. ઝિંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે જો તમે આજે પેટ્રોલ પર 100 રૂપિયા ખર્ચો છો તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનો ખર્ચ ઘટીને 10 રૂપિયા થઈ જશે. એક અનુમાન મુજબ ગ્રીન હાઇડ્રોજન પર ચાલતી કારની કિંમત પ્રતિ કિમી રૂપિયા 1 કરતા પણ ઓછી હશે. જ્યારે પેટ્રોલથી ચાલતી કારનો ખર્ચ 5-7 રૂપિયા પ્રતિ કિ.મી. નો આવે છે.