• 2 હજારની નોટ બદલવા માટે સમય મર્યાદામાં થયો વધારો
  • સરકારે 7 ઓક્ટોબર સુધી ડેડલાઈનમાં કર્યો વધારો
  • 7 ઓક્ટોબર બાદ RBIમાં બદલી શકાશે નોટ

ભારતીય રિઝર્વ બેંકે શનિવારે મોટી રાહત આપીને 2 હજાર રૂપિયાની નોટ બદલવાના સમયમાં વધારો કર્યો છે. જે લોકોએ હજુ સુધી 2 હજાર રૂપિયાની નોટ બદલી નથી, તે 7 ઓક્ટોબર 2023 સુધીમાં નોટ બદલી શકશે. અગાઉ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર એટલે કે શનિવારે સમાપ્ત થઈ રહી હતી.

7 ઓક્ટોબર સુધી બદલી શકાશે નોટ

રિઝર્વ બેંકે આપેલી માહિતી અનુસાર, 8 ઓક્ટોબરથી સામાન્ય લોકો બેંકો અને પોસ્ટ ઓફિસમાં 2000 રૂપિયાની નોટ બદલી શકશે નહીં. જો કે, આ પછી પણ આ નોટો ચલણમાં રહેશે અને તમે તેને ફક્ત RBIમાં જ બદલી શકશો. આવી સ્થિતિમાં આ સમસ્યાથી બચવા માટે, તમારે સમયમર્યાદા સમાપ્ત થાય તે પહેલા આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ.

ડેડલાઈન બાદ નોટોનું શું થશે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું કે, 7 ઓક્ટોબરની અંતિમ તારીખ પછી પણ ગ્રાહકોને આ નોટો એક્સચેન્જ કરવાની તક મળશે. ગ્રાહકો બેંકો અને પોસ્ટ ઓફિસમાં રૂપિયા 2 હજારની નોટો બદલી શકશે નહીં, પરંતુ તમે તેને દેશભરમાં સ્થિત RBIની 19 ઓફિસમાં આ નોટ બદલી શકશો. આ ઓફિસોમાં એક સમયે માત્ર 20 હજાર રૂપિયા સુધીના મૂલ્યની નોટો બદલી શકાશે. આ માટે તમારે આઈડી પ્રૂફ પણ સબમિટ કરવાનું રહેશે. આ સાથે જ સેન્ટ્રલ બેંકે સ્પષ્ટ કર્યું કે, 2 હજાર રૂપિયાની નોટો બદલવાની સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ આ નોટો લીગલ ટેન્ડર રહેશે.

આટલી નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી

ઉલ્લેખનીય છે કે, 19 મે 2023ના રોજ રિઝર્વ બેંકે 2 હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેંકે જાહેર કરેલા આંકડા અનુસાર 19 મે સુધી દેશભરમાં 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. જેમાંથી 29 સપ્ટેમ્બર 2023 સુધીમાં 3.42 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2 હજારનો નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી છે. હજુ 14 હજાર કરોડ રૂપિયા લોકો પાસે છે.

પોસ્ટના માધ્યમથી મોકલી શકાશે રૂપિયા

RBIએ શનિવારે એ પણ માહિતી આપી કે,ગ્રાહકોની સુવિધા માટે 2 હજાર રૂપિયાની નોટ પોસ્ટના માધ્યમથી પણ રિઝર્વ બેંકની 19 ઈશ્યુ ઓફિસમાં મોકલી શકાય છે. આ રૂપિયા બાદમાં ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે. આ સાથે આઈડી પ્રૂફ મોકલવાનું ફરજિયાત રહેશે.

  • Follow us on: