- લોકસભા ચૂંટણીઓ સમાપ્ત થતા દૂધ, શાકભાજી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો શરૂ
- કર્ણાટકમાં વધેલો ભાવવધારો તાત્કાલિક અસરથી લાગુ થયો
- ભાવવધારાને લીધે સરકારને 2,800 કરોડની કમાણી થશે
લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ દૂધથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીની દરેક વસ્તુના ભાવમાં વધારાના સમાચાર આવવા લાગ્યા છે. અમૂલ, મધર ડેરી અને પરાગે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના રાજ્ય સ્તરના ટેક્સમાં સુધારો કર્યો છે.
કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા વેચાણ વેરા વધારવાનો નિર્ણય કર્યો છે. આ નવા કર દરો તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે.
પેટ્રોલ ડીઝલના નવા ભાવ
કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ પર સેલ્સ ટેક્સ રેટ વધારીને 29.84 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ડીઝલ પર સેલ્સ ટેક્સનો દર વધારીને 18.44 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ પેટ્રોલ પર સેલ્સ ટેક્સનો દર 25.92 ટકા હતો, જ્યારે રાજ્ય સરકાર ડીઝલ પર 14.3 ટકા ટેક્સ વસૂલતી હતી. કર્ણાટક સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટે શનિવારે ટેક્સ રેટ વધારવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
ટેક્સમાં આ વધારા બાદ હવે રાજ્યમાં પેટ્રોલ 3 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 3.02 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થશે. હવે રાજ્યની રાજધાની બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 102.86 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 88.94 રૂપિયા પ્રતિ લિટર થશે. અગાઉ બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 99.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 85.93 રૂપિયા પ્રતિ લિટર હતી. અગાઉ નવેમ્બર 2021માં પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સના દરમાં સુધારો કરવામાં આવ્યો હતો.
સરકારને 2800 કરોડ રૂપિયા સુધીની કમાણી થશે
પેટ્રોલ અને ડીઝલ પરના આ ટેક્સના દરમાં વધારો કર્યા બાદ રાજ્ય સરકારને 2500 થી 2800 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. રાજ્યમાં લગભગ 5,000 પેટ્રોલ પંપ એવા છે કે જ્યાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવને તાત્કાલિક અસરથી મશીનોમાં રિકેલિબ્રેટ કરવામાં આવ્યા છે.