ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઈલ કરનારાઓમાંથી લગભગ 12 લાખ લોકોને ટેક્સ રિફંડ હજુ સુધી મળ્યું નથી. આ માહિતી રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આપી છે. તેમણે કહ્યું કે કુલ 3.68 કરોડ આવકવેરા રિટર્નમાંથી 3.56 કરોડ લોકોને રિફંડ મળી ચૂક્યુ છે.
કેમ હજુ સુધી રિફંડ થયું નથી જમા?
હજુ પણ લગભગ 12 લાખ ITR રિટર્નમાં રિફંડ જમા થઈ શક્યું નથી. આ માટે ઘણા કારણો પણ આપવામાં આવ્યા છે. આમાં ITRમાં ખોટી બેન્ક ખાતાની વિગતો, PAN અને આધાર લિંક ન થવું, બાકી બેલેન્સ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલાક કરદાતાઓએ આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ આપ્યો નથી. આ કારણે રિફંડ પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી.
12 લાખ લોકોના રિફંડ જમા થયા નથી
આ 12 લાખ કેસમાં રિફંડ ક્રેડિટ ન થવાનું મુખ્ય કારણ એ છે કે બેન્ક એકાઉન્ટ નંબર કે બેન્ક એકાઉન્ટ ખોટા છે અથવા અપડેટ થયેલા નથી. બીજું કારણ એ છે કે ઘણા કિસ્સાઓમાં PAN અને આધાર લિંક નહોતા. જેના કારણે રિફંડની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી. ત્રીજું કારણ એ છે કે આવકવેરા કાયદાની કલમ 245(1) અને 245(2) હેઠળ બાકી લેણાં બાકી છે. કેટલાક કિસ્સાઓમાં કરદાતાઓ દ્વારા નોટિસનો જવાબ આપવામાં પણ આવ્યો ન હતો.
આ પ્રોસેસને કરો ફોલો
જો તમને પણ લાગે છે કે તમારું રિફંડ હજુ સુધી આવ્યું નથી અને તમને નોટિસ મળી છે તો તમે આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલની મુલાકાત લઈને તેને ચકાસી શકો છો. આ માટે તમારે પોર્ટલમાં લોગિન કરવું પડશે અને ‘e-Proceedings’ ટેબ પર જવું પડશે. જો તમને કોઈ ITR નોટિસ મળી હોય તો તે ‘For your Action’ ટેબમાં દેખાશે. અહીં તમારે ‘View Notices/Orders’ બટન પર ક્લિક કરીને તમારો જવાબ આપવાનો રહેશે.
ટૂંક સમયમાં ટેક્સ રિફંડ મળશે
જો તમે નોટિસ સાથે સહમત છો તો 'Agree' બટન પર ક્લિક કરો અને સાચી માહિતી સાથે તમારું ITR ફાઈલ કરો. જો તમારે તમારી આવક અથવા છૂટમાં ફેરફાર કરવાની જરૂર હોય તો તમારે સુધારેલું ITR ફાઈલ કરવી પડશે. આ પ્રક્રિયાને અનુસરીને તમે તમારી રિફંડ સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો અને ટૂંક સમયમાં તમારું ટેક્સ રિફંડ મેળવી શકો છો.