આજે સપ્તાહના પ્રથમ દિવસ 28 એપ્રિલના રોજ શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ થયું. બજાર બંધ થવાના સમયે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 80,240.65 અને નિફ્ટી 24300 ના સ્તર પર બંધ થયો. આજે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 860 પોઈન્ટના ઉછાળા સાથે અને નિફ્ટી 291.95 ના ઉછાળા સાથે બંધ થયો.
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ખુલવાના સમયે તેજી સાથે શરૂઆત થઈ હતી. આજે સરકારી બેંકોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં દોઢ ટકાનો વધારો થયો છે. ફાર્મા અને રિયલ્ટીમાં પણ થોડી ચમક જોવા મળી રહી છે, પરંતુ આજે આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. મજબૂત પરિણામો પછી RIL લગભગ 3% વધીને નિફ્ટીનો ટોપ ગેઇનર બન્યો.
મહત્વનું છે કે ગત સપ્તાહે 25 એપ્રિલના રોજ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ગત સપ્તાહમાં અઠવાડિયાના અંતિમ દિવસે સેન્સેક્સ 589 (0.74%) પોઈન્ટ ઘટીને 79.200 પર બંધ થયો હતો. જયારે નિફ્ટી -207.35 (0.86%) પોઈન્ટ ઘટીને 24,039.35 પર બંધ થયો હતો.
શેરબજારમાં ઘટાડો થવાનું કારણ પહેલગામ પર આતંકવાદી હુમલાની અસર પણ માનવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બેંકિંગ શેરોમાં વેચવાલી જોવા મળતા રોકાણકારોની ચિંતામાં વધારો થયો હતો. જ્યારે શેરબજારમાં સપ્તાહના અંતે જોવા મળેલ ઘટાડાનું અન્ય એક કારણ આગામી મે મહિનો માનવામાં આવે છે. એટલે કે મે મહિનામાં દેશમાં ઉદભવેલ સ્થિતિની અસર જોવા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ સ્થિતિને પગલે શું રોકાણકારો મે મહિનામાં રોકાણ કરશે કે પછી વેચો અને દૂર જાઓ ફોર્મ્યુલા પર કામ કરશે.