દેશની સૌથી મોટી બેન્ક SBIને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે SBIને ફટકાર લગાવી છે અને રૂપિયા 94,000 ચુકવવા માટે આદેશ પણ કર્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.
શું છે સમગ્ર કિસ્સો?
આ ઘટના આસામના એક વ્યક્તિ સાથે જોડાયેલી છે. વર્ષ 2021માં આ વ્યક્તિએ લુઈ ફિલિપ બ્લેઝર ખરીદ્યું હતું. આ પછી તેણે તેને પરત કરવાનું વિચાર્યું કારણ કે તેને તે પસંદ ન આવ્યું. લુઈસ ફિલિપની વેબસાઈટ હેક થઈ ગઈ અને છેતરપિંડી કરનારે આ વ્યક્તિનો સંપર્ક કર્યો અને લુઈ ફિલિપના કસ્ટમર કેરના પ્રતિનિધિ તરીકે પોતાની ઓળખ આપી અને કહ્યું કે ફોનમાં એપ ઈન્સ્ટોલ કરેલી હોય તો જ બ્લેઝર પરત કરી શકાય છે. આ એપ ઈન્સ્ટોલ થતાંની સાથે જ છેતરપિંડી કરનાર વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું.
આસામ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં ત્રણ ફરિયાદો કરી
ત્યારબાદ આ વ્યક્તિએ તરત જ SBIના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કર્યો અને ફરિયાદ પણ નોંધાવી. SBIએ તેને જાણ કરી. ત્યારબાદ કાર્ડ અને એકાઉન્ટ બ્લોક થઈ ગયા. આ પછી તેણે જાલુકબારી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. આસામ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં ત્રણ ફરિયાદો કરી હતી. કોઈ ખાસ નોંધપાત્ર સફળતા ન મળતા, તેણે પહેલા આરબીઆઈ લોકપાલ અને પછી ગુવાહાટી હાઈકોર્ટમાં અને અંતે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો.
SBIએ કોઈ પગલા ભર્યા નહીં
આ રકમ રૂપિયા 94,000 જેટલી હતી. ભારતની સૌથી મોટી બેન્ક SBIએ ન તો સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાવી કે ન તો ચાર્જબેકની વિનંતી કરી. તેણે ગ્રાહકને જ બેદરકાર હોવાનો આક્ષેપ કર્યો હતો. આટલું જ નહીં, એસબીઆઈએ કહ્યું કે છેતરપિંડી ગૂગલ પે દ્વારા કરવામાં આવી હતી. તેથી બેન્ક જવાબદાર નથી. બેન્કે કહ્યું કે Google Pay એક થર્ડ પાર્ટી એપ છે. બેન્ક ક્યારેય થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવાની સલાહ આપતી નથી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
આસામના આ વ્યક્તિએ હાર ના માની અને તેને આરબીઆઈ બેંકિંગ ઓમ્બડ્સમેન, ગુવાહાટી હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈ વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો. આરબીઆઈ લોકપાલ સામે હાર્યા બાદ ગુવાહાટી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તેમને ન્યાય આપ્યો. તેમજ SBIને 94,000 રૂપિયાની સંપૂર્ણ ચુકવણી કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે SBI પાસે હાલમાં અદ્યતન ટેક્નોલોજી છે. છતાં તે સાયબર ફ્રોડ રોકવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે એમ પણ કહ્યું કે જ્યારે પીડિતે 24 કલાકની અંદર છેતરપિંડી અંગે એસબીઆઈને જાણ કરી હતી તો બેન્કે તાત્કાલિક પગલાં લેવા જોઈતા હતા. સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું.













