સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ 13000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મગાવી છે. બેન્કની નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક સામે આવી છે. SBI દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ જુનિયર એસોસિયેટ ક્લાર્ક (ગ્રાહક સપોર્ટ અને સેલ્સ) ભરતી માટે ઓનલાઈન અરજીઓ ડિસેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે.


13,735 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

SBI જુનિયર ક્લાર્ક ભરતી 2024 અભિયાન દ્વારા કુલ 13,735 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટેની અરજી પ્રક્રિયા 07 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે. પ્રારંભિક ભરતી પરીક્ષા ફેબ્રુઆરી 2025માં અને મુખ્ય પરીક્ષા માર્ચ અથવા એપ્રિલ 2025માં લેવામાં આવશે. ત્યારે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ sbi.co.in પર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.

શું છે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા?

માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. આ સિવાય સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. જો આપણે વય મર્યાદા વિશેની વાત કરીએ તો પાત્ર અરજદારોની ઉંમર 1 એપ્રિલ, 2024ના રોજ લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને બેન્ક ભરતીના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

કેટલો મળશે પગાર?

જુનિયર એસોસિયેટ ક્લાર્કની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો પ્રારંભિક પગાર રૂપિયા 26730 (રૂ. 24050-1340/3-28070-1650/3-33020-2000/4-41020-2340/7-57400-4400) હશે. જેમાં 2 એડવાન્સ ઈન્ક્રીમેન્ટનો સમાવેશ થાય છે. ત્યારે જનરલ/OBC/EWSના ઉમેદવારોએ 750 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે, જ્યારે SC/ST/PHના ઉમેદવારો ફ્રીમાં અરજી કરી શકશે. જણાવી દઈએ કે પરીક્ષા ફી માત્ર ઓનલાઈન ફી મોડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ દ્વારા જ સ્વીકારવામાં આવશે.

  • Follow us on: