- 500થી વધુ ઈઝરાયલની કંપનીઓ ભારતમાં બિઝનેસ કરે છે
- ફાર્મા કંપનીઓ પણ મોટો વેપાર કરી રહી છે
- IT અને જ્વેલરી ઉદ્યોગને પણ મોટી અસર થઈ શકે છે
ઈઝરાયલ અને પેલેસ્ટાઈનનાઆતંકવાદી સંગઠન હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર ધીમે ધીમે વિશ્વના ઉદ્યોગજગત પર જોવા મળીરહી છે. શનિવારે જ્યારે હમાસે ઈઝરાયલમાં તબાહી મચાવી હતી ત્યાર બાદ ઈઝરાયલે જડબાતોડ જવાબ આપ્યો છે અને હમાસ સામે તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરેક જગ્યાએ બોમ્બ, શેલ, રોકેટ અને ગોળીઓનો અવાજ સંભળવા મળી રહ્યો છે.
આ યુદ્ધ વધવાને કારણે આખી દુનિયામાં તેની આર્થિક અસર જોવા મળી શકે છે. આ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં એવી કંપનીઓ છે જેનું ઈઝરાયલમાં સીધુ રોકાણ છે અને તેની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. જ્યારે ભારતીય કંપનીઓ માટે પણ સંકટ સર્જી રહ્યું છે. સોમવારે ઘણી કંપનીઓના શેરમાં ભારે ઘટાડા સ્વરૂપે જોવા મળ્યું હતું.
સૌથી મોટું રોકાણ કરનાર કંપનીમાં મુશ્કેલી
ઈઝરાયલ અને ભારત સાથે સારા સંબંધો છે અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પણ ઘણાં મજબૂત છે. એક તરફ 500થી વધુ ઈઝરાયલની કંપનીઓ ભારતમાં બિઝનેસ કરે છે તો બીજી તરફ ઘણી ભારતીય કંપનીઓ પણ ઈઝરાયલમાં બિઝનેસ કરી રહી છે. કેટલીક મોટી કંપનીઓ વિશે વાત કરીએ તો, ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ હાઈફા પોર્ટમાં 70 ટકા હિસ્સો ધરાવે છે. યુદ્ધની સ્થિતિમાં સોમવારે કંપનીના શેર (અદાણી પોર્ટ્સ શેર) 5.09 ટકા ઘટીને રૂ. 788.50 પર બંધ થયા હતા. જો કે મંગળવારે તેમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત બીજી મોટી કંપનીની વાત કરવામાં આવે તો સન ફાર્માસ્યુટિકલ્સ છે. સોમવારે સન ફાર્મા કંપનીના શેર પણ લાલ નિશાનમાં બંધ થયા હતા. સન ફાર્મા ઇઝરાયલની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ટેરો ફાર્માસ્યુટિકલ્સમાં મુખ્ય હિસ્સેદાર છે. હમાસના હુમલા અને ઈઝરાયલની જવાબી કાર્યવાહીના કારણે શરૂ થયેલું યુદ્ધ જો આગળ વધશે તો તેની અસર કંપનીના બિઝનેસ પર દેખાઈ શકે છે. ફાર્મા સેક્ટરમાં ડૉ. રેડ્ડી અને લ્યુપિન જેવી ભારતીય કંપનીઓ પણ ઇઝરાયલમાં વેપાર ધરાવે છે અને તેમાં આગામી દિવસોમાં અસર જોવા મળી શકે છે.
IT ક્ષેત્રે બંને દેશોમાં મુશ્કેલી
આઈટી ક્ષેત્રની મોટી ભારતીય કંપનીઓનો બિઝનેસ પણ ઈઝરાયલમાં સારો વેપાર કરી રહ્યો છે. જેમાં ભારતની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને વિપ્રો જેવી મોટા ગ્રુપની કંપનીઓનો સમાવેશ થાય છે. યુદ્ધની સ્થિતિમાં આ કંપનીઓના શેર પર દબાણ આવી શકે છે. TCSના લગભગ 1000 કર્મચારીઓ ઇઝરાયલમાં કામ કરે છે.
બેંકિંગ ક્ષેત્રની વાત કરવામાં આવે તો દેશની સૌથી મોટી બેંક એટલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પણ ઈઝરાયલમાં બિઝનેસ ધરાવે છે અને અહીં ચાલી રહેલા યુદ્ધને કારણે બિઝનેસ પ્રભાવિત થવાની સંભાવના વધી રહી છે. સોમવારે SBIના શેરમાં 1.53 ટકાનો ઘટાડો થયો હતો.
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે પણ નુકસાન
આ સિવાય આ યુદ્ધની અસર ભારત અને ઈઝરાયલ વચ્ચેના જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ પર પડી શકે છે. તેમજ હીરા ઉદ્યોગને ઘણી અસર જોવા મળી શકે છે. જેમાં યુદ્ધથી હીરા ઉદ્યોગમાં ચિંતા પ્રસરી છે. નેચરલ બાદ લેબગ્રોન ડાયમંડમાં પણ અસરની ભીતિ જોવા મળી શકે છે. જેનું મુખ્ય કારણ ડાયમંડનો ઓવરસ્ટોક સર્જાવવાની શક્યતા છે. બંને દેશો વચ્ચે આ ક્ષેત્રનો કુલ વેપાર 2022-23માં $2.04 બિલિયન હતો, જ્યારે 2021-22માં તે $2.8 બિલિયન હતો. આ ક્ષેત્રની મોટી કંપની કલ્યાણ જ્વેલર્સ પણ દબાણ હેઠળ છે.