- નવા વાહનો અને જૂના વાહનોની નંબર પ્લેટમાં આવશે ફેરફાર
- GPS આધારિત ટોલ સિસ્ટમને લાગૂ કરવાનો છે પ્લાન
- ઓટોમેટિક નંબર પ્લેટ રીડર સિસ્ટમ થઈ શકે છે લાગૂ
જો તમે પણ ટોલનાકા પર ઊભા રહીને ટોલ જમા કરો છો તો હવે તમારે રોકાઈને ટોલ આપવાની જરૂર પડશે નહીં કેમકે ભારત સરકાર વાહનોની અવરજવર અને લોકોની મુશ્કેલીઓને ઓછી કરવા માટે નેશનલ હાઈવે પર એક નવી ટોલ પ્રક્રિયા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા નામના એક નવા જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને લાગૂ કરવાનો પ્લાન બનાવી રહી છે. ANPR વાહનની લાયસન્સ પ્લેટને વાંચશે અને પછી ટોલનું પેમેન્ટ કરવા માટે વાહન માલિકના બેંક ખાતાથી પેમેન્ટ લેશે. જતા અને આવતા સમયે સિસ્ટમની મદદથી ANPR કેમેરા પાસિંગ વાહનની લાયસન્સ પ્લેટના ફોટો ક્લિક કરશે. ટ્રાફિકને સરળ બનાવવા માટે ટોલ પર હાલના ફાસ્ટેગને બદલવા માટે ANPR કેમેરા એક સારો વિકલ્પ હોઈ શકે છે.
ટોલનાકા પર વેડફાય છે મોટા પ્રમાણમાં ઈંધણ
ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને આઈઆઈએમ કોલકત્તાના એક રિપોર્ટના અનુસાર ટોલ નાકા પર ગાડીના ઉભા રહેવાના કારણે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું ઈંધણ વેડફાય છે અને સાથે ટોલ પ્લાઝા પર લાગેલા જામના કારણે ગાડીઓ સમયસર પહોંચી ન શકવાથી દર વર્ષે સરકારને 45 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. કુલ મળીને ટોલનાકાના કારણે દેશને 1 લાખ 45 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. આ સમયે દેશને આર્થિક નુકસાનથી બચાવવા માટે જલ્દી જ જીપીએસ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ નવી ટેકનિકની મદદથી ગાડીના નંબર પ્લેટને સ્કેન કરી શકાશે અને સાથે જ ટોલ પ્લાઝા ક્રોસ કરશો કે તરત જ તમારા બેંક ખાતાથી ટોલની કિંમત કાપી લેવાશે. આ સિસ્ટમની જાણકારી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગયા વર્ષે સંસદ સત્રમાં આપી હતી. તેનાથી ટોલ વસૂલીમાં થઈ રહેલી ક્ષતિઓને પણ રોકી શકાશે. જીપીએસની મદદથી તમે બેંક ખાતાથી એટલા રૂપિયા કપાવશો જેટલું અંતર તમે કાપશો.
નંબર પ્લેટમાં થશે ફેરફાર
હવે તમારી ગાડીમાં લાગેલી નંબર પ્લેટ સામાન્ય નહીં હોય પણ તેમાં જીપીએસ સિસ્ટમ હશે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે નવી ગાડીમાં જીપીએસ નંબર પ્લેટ લગાવવાના આદેશ આપ્યા છે. તો જૂની ગાડીમાં જૂની નંબર પ્લેટ હટાવીને નવી નંબર પ્લેટ લગાવવાની રહેશે. તેમાં નંબર પ્લેટની સાથે જીપીએસ સિસ્ટમ એટેચ હશે. સાથે એક સોફ્ટવેર લગાવાશે, જેનાથી ટોલ પ્લાઝા પર પહોંચતાં જ ટોલ કપાઈ જશે. તેનાથી ટોલ પ્લાઝા પર લાગેલી લાઈનોમાંથી છૂટકારો મળશે. સાથે તમે કિલોમીટરના આધારે ટોલ જમા કરી શકશો.
જીપીએસની મદદથી નક્કી થશે ટેક્સ
હવે જીપીએસની મદદથી તમારા ટોલની કિંમત નક્કી થશે. હાલમાં પ્રતિ 60 કિલોમીટર પર ટોલ પ્લાઝા હાઈવે પર હોય છે. એટલે કે તમે 60 કિલોમીટરનો ટેક્સ ભરો છો. ભલે તમે ઓછી મુસાફરી કરો પણ તમારે સંપૂર્ણ ટોલ ભરવાનો રહે છે. પરંતુ જીપીએસ સિસ્ટમને લાગૂ કર્યા બાદ તમે 30 કિલોમીટરની મુસાફરી કરો છો અને હાઈવે છોડી દો છો તો તમારે 30 કિલોમીટરનો ટેક્સ જમા કરવાનો રહેશે. આ પછી તમે વધારે ટેક્સ ભરવાથી બચી શકશો.