- પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ રજૂ કર્યા હતા સતત 6 બજેટ
- સીતારમણે બે વચગાળાના બજેટ અને ચાર પૂર્ણ બજેટ રજૂ કર્યા
- 23મી જુલાઈએ સાતમું બજેટ રજૂ કરશે
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આવતા અઠવાડિયે એટલે કે 23 જુલાઈના રોજ સંસદમાં મોદી 3.0નું પહેલું બજેટ રજૂ કરશે. નોકરિયાત વર્ગથી લઈને વરિષ્ઠ નાગરિકો, વેપારી વર્ગ, વિદ્યાર્થીઓ વગેરે દરેકને બજેટ અંગે ઘણી અપેક્ષાઓ હોય છે. યુવાનોને આશા છે કે સરકારની જાહેરાતોથી દેશમાં રોજગારીની તકો વધશે અને વધુને વધુ નવી નોકરીઓનું સર્જન થશે. આ બજેટની ખાસ વાત એ છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સાતમું બજેટ છે. આ બજેટની રજૂઆત સાથે તે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
આ રેકોર્ડ નાણામંત્રીના નામે નોંધાશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ એવા પ્રથમ નાણામંત્રી બનવા જઈ રહ્યા છે જે સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. અગાઉ આ રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે હતો, જેમણે સતત છ વખત બજેટ રજૂ કર્યું હતું. આ સિવાય તેમણે કુલ 10 બજેટ રજૂ કર્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કુલ છ સામાન્ય બજેટ રજૂ કર્યા છે, જેમાં બે વચગાળાના બજેટ અને ચાર પૂર્ણ બજેટનો સમાવેશ થાય છે. હવે તે સતત સાતમું બજેટ રજૂ કરનાર નાણામંત્રી બનશે.
મોરારજી દેસાઈએ 2 વાર અંતરિમ બજેટ પણ રજૂ કર્યા
1947થી અત્યારસુધી સૌથી વધારે વખત સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના નામે છે. તેઓએ દેશના નાણામંત્રી રહેતી સમયે 10 વાર બજેટ રજૂ કર્યું હતું. તો 13 માર્ચ 1958થી 29 ઓગસ્ટ 1963 સુધી દેશના નાણામંત્રી રહ્યા. આ પછી 1967થી 1969 સુધી તે ફરીવાર દેશના નાણામંત્રી રહ્યા હતા. આ સમયે તેઓએ કુલ 10 બજેટ રજૂ કર્યા. મોરારજી દેસાઈએ 2 વાર અંતરિમ બજેટ પણ રજૂ કર્યા હતા.
2 વાર જન્મદિવસે બજેટ રજૂ કર્યું
મોરારજી દેસાઈનો જન્મદિવસ 29 ફેબ્રુઆરીએ હતો. આ કારણે 4 વર્ષમાં તેમનો જન્મદિવસ 1 વાર આવતો. 1964 અને 1968માં તો તેઓએ પોતાના જન્મદિવસે બજેટ રજૂ કર્યું હતું. જન્મદિવસે બજેટ રજૂ કરવું પણ પોતે પોતાનામાં એક રેકોર્ડ છે. પહેલા ફેબ્રુઆરીની છેલ્લી તારીખને દેશના સામાન્ય બજેટ માટે રાખવામાં આવી છે. તેઓએ 6 વાર નાણામંત્રી રહીને અને 4 વાર ઉપપ્રધાનમંત્રી રહીને બજેટ રજૂ કર્યું.
સીતારમણ 2019માં નાણામંત્રી બન્યા હતા
મોદી સરકારના બીજા કાર્યકાળમાં નિર્મલા સીતારમણે નાણામંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા 2017માં તેમને રક્ષા મંત્રી પદ આપવામાં આવ્યું હતું. નિર્મલા સીતારમણ 2019 થી દેશના નાણામંત્રી રહ્યા છે. નાણામંત્રી રહીને તેમણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વર્ષ 2020માં તેમણે સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું, જે બે કલાક અને ચાલીસ મિનિટનું હતું. તે વર્ષે તેણે નવા ટેક્સ સ્લેબથી લઈને એલઆઈસીના આઈપીઓ સુધીની તમામ બાબતોની જાહેરાત કરી.
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સૌથી વધુ વાર 9 વખત બજેટ રજૂ કર્યું
મોરારજી દેસાઈ નાણામંત્રીના બાદ દેશના પીએમ પણ બન્યા. તેમના બાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સૌથી વધુ વાર 9 વખત બજેટ રજૂ કર્યું છે. તે પહેલીવાર 1996થી 21 એપ્રિલ 1997 સુધી નાણામંત્રીના પદ પર રહ્યા. મે 1997થી 19 1998 સુધી ઈન્દ્રકુમાર ગુજરાલના સમયે તે નાણામંત્રી હતા. મનમોહન સિંહના નેતૃત્વમાં 2004 અને 2009માં બની યૂપીએ-1 અને યૂપીએ-2માં તેમને આ જ મંત્રાલય અપાયું હતું.
ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?
સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ તત્કાલિન નાણામંત્રી આરકે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. ભારતના સૌથી નાના બજેટની વાત કરીએ તો આ રેકોર્ડ હિરુભાઈ મુલજીભાઈ પટેલના નામે છે. 1977માં મોરારજી દેસાઈની સરકારમાં નાણામંત્રી પદ સંભાળતા તેમણે માત્ર 800 શબ્દોનું સૌથી નાનું બજેટ ભાષણ રજૂ કર્યું હતું. આ વચગાળાનું બજેટ હતું.