- Zomato, Swiggy તેમજ FSSAIને ન્યુટ્રિશનિસ્ટે કરી અપીલ
- ફૂડની ડિલિવરી બાયોડિગ્રેડેબલ નૉન-પ્લાસ્ટિક કન્ટેનરમાં કરવાની અપીલ
- પ્લાસ્ટિકના કન્ટેનર લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે
Zomato અને Swiggy જેવી ફૂડ ડિલિવરી એપથી ફૂડ ઓર્ડર કરતા તે પ્લાસ્ટિકના કન્ટેનરમાં પેક થઈને આવે છે. ગરમ ખોરાક પ્લાસ્ટિકના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. આ મુદ્દાને ઉઠાવતા એક ન્યુટ્રિશનિસ્ટે સો.મીડિયા પર પોસ્ટ કરી. તેઓએ Zomato-Swiggyને પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરવાનું બંધ કરવા વિનંતી કરી. Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે પણ આ વાયરલ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
શું કહ્યું ન્યુટ્રિશનિસ્ટે
ન્યુટ્રિશનિસ્ટ લ્યુક કોટિન્હોએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી. Zomato, Swiggy તેમજ FSSAIને ટેગ કર્યા અને લખ્યું, 'પ્લાસ્ટિકમાં આવતું ગરમ ફૂડ લોકોને બીમાર કરી રહ્યું છે. કૃપા કરીને રેસ્ટોરન્ટના ભાગીદારોની સાથે ખાતરી કરો કે ફૂડની ડિલિવરી બાયોડિગ્રેડેબલ નૉન-પ્લાસ્ટિક કન્ટેનરમાં થાય. તેની સાથે લ્યુકે Zomato-Swiggy ને પણ કહ્યું કે ઘણી રેસ્ટોરન્ટ્સ પહેલેથી જ આ કરી રહી છે. તમે પણ કરો.
કેમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે
લ્યુકે કહ્યું કે પ્લાસ્ટિકના કન્ટેનર લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે, કારણ કે ઘણા પ્લાસ્ટિકમાં phthalates અને bisphenol જેવા હાનિકારક રસાયણો હોય છે. આ રસાયણો ગરમી અથવા એસિડિક સ્થિતિમાં ખોરાક સાથે ઓગળી શકે છે.
Zomato CEO દીપેન્દ્ર ગોયલે પ્રતિક્રિયા આપી
Zomato CEO દીપેન્દ્ર ગોયલે ન્યુટ્રિશનિસ્ટની વાયરલ ઇન્સ્ટા પોસ્ટ પર તરત જ પ્રતિક્રિયા આપી. તેમણે આ મુદ્દાને ઉઠાવવા માટે અને ધ્યાને લાવવા બદલ લ્યુકનો આભાર માન્યો. આ સાથે લોકોને ખાતરી આપી હતી કે તેઓ તે રેસ્ટોરન્ટ્સને પ્રકાશિત કરશે, જે સુરક્ષિત પેકેજિંગ કરે છે, જેથી ગ્રાહકો વધુ સતર્ક થઈ શકે અને વિકલ્પો પસંદ કરી શકે. બીજી તરફ લ્યુકે પણ ગોયલને તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપવા અને પગલાં લેવા તરફ આગળ વધવા બદલ આભાર માન્યો.