ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બોબ બ્લેરનું ઈંગ્લેન્ડમાં નિધન થયું છે. 94મા જન્મદિવસે અવસાન પામેલા બ્લેર માત્ર એક ક્રિકેટર જ નહીં પરંતુ હિંમત, સંઘર્ષ અને ખેલદિલીનું ઉદાહરણ હતા. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે બ્લેરના નિધન પર ઊંડી શોક વ્યક્ત કરી છે. તેમની યાદમાં, ન્યૂઝીલેન્ડની ટીમ નોટિંગહામમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે કાળી પટ્ટી બાંધશે.
એક ઇનિંગમાં 9 વિકેટ લેવાની સિદ્ધિ
બ્લેરે 1952 થી 1964 દરમિયાન ન્યુઝીલેન્ડ માટે 19 ટેસ્ટ મેચ રમી હતી અને 43 વિકેટ લીધી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમનો રેકોર્ડ વધુ પ્રભાવશાળી હતો, તેમણે 59 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 330 વિકેટ લીધી હતી. 1956-57ની સીઝન તેમની કારકિર્દીની સૌથી યાદગાર હતી, જ્યારે તેમણે માત્ર 9 ની સરેરાશથી 46 વિકેટ લીધી હતી અને બે વાર એક ઇનિંગમાં 9 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
એક મોટી દુર્ઘટનાએ તેમનું જીવન બદલી નાખ્યું
બ્લેરને ક્રિકેટ ઇતિહાસમાં માત્ર તેમના પ્રદર્શન માટે જ નહીં પરંતુ 1953ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેમણે બતાવેલી અસાધારણ હિંમત માટે પણ યાદ કરવામાં આવે છે. બીજી ટેસ્ટ એલિસ પાર્ક ખાતે રમાઈ રહી હતી. 21 વર્ષીય બ્લેરને મેચના બીજા દિવસે સવારે દુ:ખદ સમાચાર મળ્યા કે તેમની મંગેતર, નેરિસા લવ, નાતાલની પૂર્વસંધ્યાએ તાંગીવાઈ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામી છે. આ અકસ્માતમાં કુલ 151 લોકો મૃત્યુ પામ્યા હતા. બ્લેર પોતાના અંગત જીવનના સૌથી મુશ્કેલ સમય દરમિયાન ટીમ હોટલમાં શોક વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં હતી અને છેલ્લી વિકેટ પડી ગઈ હતી, ત્યારે તેમણે મેદાનમાં પાછા ફરવાનો નિર્ણય લીધો.
જ્યારે આખું સ્ટેડિયમ ભાવુક થઈ ગયું
બ્લેર બેટિંગ કરવા આવ્યા ત્યારે એલિસ પાર્ક ખાતે 23,000 દર્શકો સ્તબ્ધ થઈ ગયા. બીજા છેડે બર્ટ સટક્લિફ હતા, જે બોલ વાગ્યા બાદ હમણાં જ હોસ્પિટલમાંથી પાછા ફર્યા હતા. બંને ખેલાડીઓએ છેલ્લી વિકેટ માટે 33 રન ઉમેર્યા. આ ભાગીદારીએ એક જ ઓવરમાં 25 રનનો વિશ્વ વિક્રમ પણ બનાવ્યો. જ્યારે બ્લેર આઉટ થયા પછી મેદાનમાંથી પાછા ફર્યા, ત્યારે આખું સ્ટેડિયમ તેમના સન્માનમાં ઊભું થઈ ગયું અને તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું. આ ક્ષણ હજુ પણ ક્રિકેટ ઇતિહાસની સૌથી ભાવનાત્મક અને પ્રેરણાદાયક ક્ષણોમાંની એક માનવામાં આવે છે.
બ્લેરની યાદમાં બનાવવામાં આવેલ તાંગીવાઈ શીલ્ડ
બ્લેરની વાર્તા અને તાંગીવાઈ ટ્રેન અકસ્માતે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટને એટલી બધી અસર કરી કે 2024 માં બંને દેશો વચ્ચેની ટેસ્ટ સીરિઝ માટે તાંગીવાઈ શીલ્ડની સ્થાપના કરવામાં આવી. આ ટ્રોફી પરંપરાગત ન્યુઝીલેન્ડના લાકડા અને ટાંગીવાઈ ક્ષેત્રમાં મળી આવતા એક અનોખા પથ્થરમાંથી બનાવવામાં આવી હતી. બ્લેર તે ઐતિહાસિક ટેસ્ટ મેચમાંથી ન્યૂઝીલેન્ડના છેલ્લા બચેલા ખેલાડી હતા.
આ પણ વાંચો - Women's T20 World Cup 2026 : સેમિફાઇનલની રેસ બની રોમાંચક, ટીમ ઇન્ડિયા માટે હવે 'કરો યા મરો'ની સ્થિતિ