ભારતીય ક્રિકેટર અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગના જમણા ખભાની સફળ સર્જરી કરવામાં આવી છે. ગુરુવારે તેમણે સોશિયલ મીડિયા પર હોસ્પિટલમાંથી પોતાની તસવીર શેર કરીને ચાહકોને આ અંગેની માહિતી આપી હતી. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, તેમને ઇજામાંથી સંપૂર્ણ રીતે મુક્ત થવામાં અને મેદાન પર વાપસી કરવામાં હજુ ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે.


મુંબઈની હોસ્પિટલમાં થઈ સર્જરી

રાજસ્થાન રોયલ્સને IPL 2026ની પ્લેઓફમાં પહોંચાડનાર ઓલરાઉન્ડર રિયાન પરાગની આ સર્જરી મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં પ્રખ્યાત ડૉક્ટર દિનશૉ પરદીવાલાની દેખરેખ હેઠળ થઈ છે. અસમના 24 વર્ષીય ક્રિકેટર પરાગ હવે ટૂંક સમયમાં જ બેંગલુરુ સ્થિત BCCIના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (NCA) ખાતે પોતાની મેડિકલ રિકવરી અને રિહેબિલિટેશનની પ્રક્રિયા શરૂ કરશે.

BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં થશે રિહેબ

BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં દુલીપ ટ્રોફીથી શરૂ થઈ રહેલા 2026-27ના ઘરેલું ક્રિકેટ સત્રના શરૂઆતી ભાગમાંથી તેઓ સંપૂર્ણપણે બહાર રહેશે અને તેમની વાપસી માટે હાલ કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર શેર કર્યો ભાવુક સંદેશ

સર્જરી સફળ રહ્યા બાદ રિયાન પરાગે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ પોસ્ટ શેર કરીને લખ્યું કે, "ખભાની સર્જરી થઈ ગઈ છે અને બધું બરાબર રહ્યું. છેલ્લા બે વર્ષોએ મારી એવી પરીક્ષાઓ લીધી છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ દરમિયાન કેટલાક સારા દિવસો રહ્યા તો કેટલાક ખૂબ જ નિરાશાજનક પણ હતા. હવે મારી સામે એક નવો અને અલગ પડકાર છે, જેમાં સર્જરીમાંથી બહાર આવવું અને રિહેબની પ્રક્રિયા સામેલ છે. હું ખૂબ જ જલ્દી એ રમત (ક્રિકેટ) માટે વાપસી કરીશ જે મને સૌથી વધુ પસંદ છે."

હેમસ્ટ્રિંગની સમસ્યા અને રમવા માટેનો સંઘર્ષ

ઉલ્લેખનીય છે કે, રિયાન પરાગ માત્ર ખભાની જ નહીં પરંતુ IPL 2026ના બીજા હાફ દરમિયાન હેમસ્ટ્રિંગની ઇજાથી પણ પરેશાન હતા, જેના કારણે તેઓ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ રમી શક્યા નહોતા. મુંબઈ ઇન્ડિયન્સ સામેની છેલ્લી લીગ મેચ તેમજ ત્યારબાદ એલિમિનેટર અને ક્વોલિફાયર-2 જેવી મહત્વની મેચોમાં તેઓ પીડા હોવા છતાં રમ્યા હતા. BCCIની મેડિકલ ટીમે તેમને સલાહ આપી હતી કે જ્યાં સુધી પ્રદર્શન પર ખાસ અસર ન પડે ત્યાં સુધી તેઓ સર્જરી ટાળી શકે છે, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરાગે આખરે સર્જરી કરાવવાનો યોગ્ય નિર્ણય લીધો હતો.

ઋતુરાજ ગાયકવાડને મળી જવાબદારી

આ ગંભીર ઇજાના કારણે રિયાન પરાગ શ્રીલંકાના દામ્બુલામાં રમાનારી ત્રિપાંખીયો શ્રેણી (Tri-series) માટે જાહેર કરાયેલી ભારત 'એ' ટીમમાંથી બહાર થઈ ગયા છે, જેમાં તેમને પહેલા ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. BCCIની પસંદગી સમિતિએ હવે તેમની જગ્યાએ સ્ટાર બેટર ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરીને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપી છે. આ સિરીઝ માટે તિલક વર્મા ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: