ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશદીપ ટૂંક સમયમાં જ પોતાની જિંદગીની એક નવી અને સુંદર ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મેદાન પર પોતાની ઘાતક બોલિંગથી મોટા-મોટા બેટ્સમેનોના સ્ટમ્પ ઉખાડનાર આકાશદીપ આ વખતે પોતે અક્ષિતાના પ્રેમમાં 'ક્લીન બોલ્ડ' થયા છે અને ચાલુ મહિનાના અંતમાં લગ્નગ્રંથિથી જોડાશે. ભારતીય ફાસ્ટ બોલર આકાશદીપ આગામી ૨૪ જૂને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમની ભાવિ પત્ની અક્ષિતા દેહરી-ઓન-સોનના માણિકપુર ગામની વતની છે. આ હાઈ-પ્રોફાઈલ લગ્ન આકાશદીપના રોહતાસ સ્થિત પૈતૃક ગામ બદ્દીમાં પરંપરાગત વિધિઓ સાથે યોજાશે.


ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર કરશે લગ્ન

આકાશદીપના લગ્નને લઈને ક્રિકેટરના વતન બદ્દી ગામમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગામને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર આકાશદીપે તાજેતરમાં જ  રમતગમત મંત્રી શ્રેયસી સિંહને રૂબરૂ મળીને પોતાના લગ્નનું પ્રથમ આમંત્રણ પત્રિકા પાઠવ્યું છે, ક્રિકેટરે રમતગમત મંત્રીને આ શુભ પ્રસંગે હાજર રહેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે. આકાશદીપ પૈૃતક ગામમાં પરંપરાગત રીતે લગ્ન કરશે.

  • ૨૧ જૂન: તિલક સમારોહ સાથે લગ્નની વિધિઓ શરૂ થશે.
  • ૨૨ જૂન: મહેંદીની રસમ યોજાશે.
  • ૨૩ જૂન: હલ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ૨૪ જૂન: આકાશદીપ જાન લઈને અક્ષિતાને પરણવા જશે અને દુલ્હન તરીકે ઘરે લાવશે.

આકાશદીપનું વારાણસી સાથે ખાસ કનેક્શન

ગયા વર્ષે આકાશદીપની બહેન જ્યોતિ સિંહે ખુલાસો કર્યો હતો કે આકાશ ભગવાન શિવના પરમ ભક્ત છે અને જ્યારે પણ સમય મળે ત્યારે કાશી વિશ્વનાથના દર્શને જાય છે. તેથી પરિવારની ઈચ્છા અનુસાર લગ્નની કેટલીક ખાસ વિધિઓ અથવા કાર્યક્રમ વારાણસીમાં પણ રાખવામાં આવે તેવી શક્યતા છે.

અંગત જીવન અને સંઘર્ષ આકાશદીપ

બિહારના એક નાના ગામથી શરૂ કરીને ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવા સુધીની આકાશદીપની સફર અત્યંત હૃદયદ્રાવક અને પ્રેરણાદાયી રહી છે. માત્ર ૧૬ વર્ષની નાની ઉંમરે આકાશે તેમના પિતા (જેઓ શારીરિક શિક્ષણ શિક્ષક હતા) ને ગુમાવ્યા હતા. આ આઘાતમાંથી પરિવાર બહાર આવે તે પહેલા જ છ મહિનાની અંદર તેમના મોટા ભાઈનું પણ અવસાન થયું હતું. ઘરના બે મુખ્ય સભ્યો ગુમાવ્યા બાદ, આકાશ પોતાની બહેન સાથે દિલ્હી આવી ગયા અને ત્યાંથી પોતાની ક્રિકેટ કારકિર્દીના પાયા નાખ્યા. બિહાર ક્રિકેટ એસોસિએશન પર પ્રતિબંધના કારણે આકાશદીપ રાજ્ય છોડી બંગાળ તરફ પ્રયાણ કર્યું.

આકાશદીપનું ક્રિકેટમાં આગમન

બંગાળમાં એક મિત્રના કહેવા પર તેઓ ડિવિઝન ટ્રાયલ આપવા ગયા અને યુનાઇટેડ ક્લબ તરફથી રમવાનું શરૂ કર્યું. બંગાળ રણજી ટીમના સહાયક કોચ સૌરશીષ લાહિરીની નજર આકાશની સ્પીડ અને લાઈન-લેન્થ પર પડી. તેમણે આકાશને નેટ્સમાં બોલિંગ માટે બોલાવ્યા અને પ્રભાવિત થઈને તાત્કાલિક બંગાળની અંડર-૨૩ ટીમમાં સામેલ કરી દીધા. ત્યારબાદ તેમણે ઘરેલું ક્રિકેટમાં બંગાળનું શાનદાર પ્રતિનિધિત્વ કર્યું. ત્યારબાદ ટીમ ઇન્ડિયા અને આઈપીએલમાં આકાશદીપ શાનદાર પ્રદર્શન કર્યું.

  • Follow us on: