દાંબુલામાં રમાયેલી ટ્રાય સીરિઝની ચોથી મેચમાં ભારત A અને શ્રીલંકા A વચ્ચે જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો. બંને ટીમો વચ્ચેની મેચ નિર્ધારિત 50 ઓવરના અંતે ટાઈ રહી હતી. ત્યારબાદ વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવરમાં મેચ સમાપ્ત થઈ, જેમાં શ્રીલંકા Aએ ભારત Aને હરાવીને જીત મેળવી.
તિલક વર્મા અને એમ્પાયર વચ્ચે થઈ જોરદાર ચર્ચા
મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન તિલક વર્મા અને એમ્પાયર વચ્ચે થયેલી ચર્ચા પણ ચર્ચાનો વિષય બની. સુપર ઓવરની છેલ્લી બોલને એમ્પાયરે નો-બોલ જાહેર કરતાં તિલક વર્મા આ નિર્ણયથી અસંતોષ વ્યક્ત કરતા જોવા મળ્યો.
તેઓ બાઉન્ડ્રી લાઈન પાસે એમ્પાયર સાથે લાંબા સમય સુધી ચર્ચા કરતા રહ્યા. તિલકના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. સ્થિતિ વધુ તંગ ન બને તે માટે ભારતીય ટીમના અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો.
ભારત માટે અનુકૂળ સાબિત થયો નહીં આ નિર્ણય
આ પહેલાં પણ મેચ ટાઈ થયા બાદ ખરાબ પ્રકાશને કારણે એમ્પાયરો સુપર ઓવર કરાવવાના પક્ષમાં ન હતા. પરંતુ તિલક વર્માએ સુપર ઓવર રમાડવાની માગ પર ભાર મૂક્યો હતો. તેમને એમ્પાયરો સાથે લાંબી ચર્ચા કરીને પોતાનો મત રજૂ કર્યો હતો. અંતે એમ્પાયરો દ્વારા સુપર ઓવર રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ આ નિર્ણય ભારત માટે અનુકૂળ સાબિત થયો નહીં, કારણ કે ટીમને અંતે હારનો સામનો કરવો પડ્યો. જો સુપર ઓવર ન રમાય, તો મેચ ટાઈ જાહેર થાત અને ભારતને એક મહત્વનો પોઈન્ટ મળી શક્યો હોત.
ટીમ ઈન્ડિયાની કારમી હાર
મેચની વાત કરીએ તો ભારત Aએ પ્રથમ બેટિંગ કરતાં 49.2 ઓવરમાં 265 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જવાબમાં શ્રીલંકા Aની ટીમે પણ 50 ઓવરમાં 9 વિકેટે 265 રન બનાવતાં સ્કોર બરાબર કર્યો અને મેચ ટાઈ રહી. ત્યારબાદ સુપર ઓવરમાં શ્રીલંકા Aએ 16 રન બનાવ્યા અને ભારત સામે 17 રનનું ટાર્ગેટ મૂક્યો. ભારત Aની ટીમ 6 બોલમાં માત્ર 7 રન જ બનાવી શકી અને રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!