અમરેલી શહેરમાંથી મોડી રાત્રે લોહીના સંબંધોને કલંકિત કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક કૌટુંબિક ઝઘડામાં સગા મોટા ભાઈના હાથે જ નાના ભાઈની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી અને ઘરકંકાસ ઉગ્ર બનતા મોટા ભાઈએ આવેશમાં આવીને આ ખોફનાક પગલું ભર્યું હતું.
"શું કામ કનડે છે માં ને?" કહેતા જ સગો ભાઈ ઉશ્કેરાયો
ઘટનાની વિગત એવી છે કે, આરોપી મયુર વણોદિયા હાથમાં ખુલ્લી છરી લઈને આવ્યો હતો અને પોતાની દાદી સાથે ઉગ્ર ઝઘડો કરી રહ્યો હતો. આ સમયે તેનો સગો નાનો ભાઈ મનોજ વણોદિયા દાદીના બચાવમાં વચ્ચે પડ્યો હતો. મનોજે પોતાના મોટા ભાઈ મયુરને રોકતા કહ્યું કે, તું શું કામ કનડે છે માં ને?" બસ આટલું સાંભળતા જ આરોપી મયુર વણોદિયા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના જ સગા ભાઈ મનોજ પર તૂટી પડ્યો હતો. તેણે હાથમાં રહેલી તીક્ષ્ણ છરી મનોજના છાતીના ભાગે સીધી હુલાવી દીધી હતી, જેના કારણે ગંભીર ઈજા થતાં મનોજનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.













