ભાવનગરના સિહોરમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી મહિલાને છરી બતાવીને દાગીનાની લૂંટ થતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે


મહિલા પતિને પાણી આપવા ગઇ હતી

મળેલી માહિતી મુજબ ભાવનગરના સિહોરમાં જૂની શાક માર્કેટ પાસે રહેતા વર્ષા બેન નામની મહિલા પોતાના ઘરની બાજુમાં આવેલી પતિની દુકાનમાં પતિને પાણી આપવા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો

ઘરમાં એક લૂંટારો ધસી આવ્યો

વૃદ્ધ મહિલા પતિને પાણી આપીને ઘેર પરત ફર્યા ત્યારે જ એક શખ્સ અચાનક જ ધસી આવ્યો હતો અને મહિલાની એકલતાનો લાભ ઉઠાવી તેને છરી બતાવી હતી અને તેમણે પહેરેલી સોનાની બંગડી અને સોનાનું મંગળસુત્ર ઉતરાવીને ફરાર થઇ ગયો હતો.

મહિલાએ બુમાબુમ કરી

મહિલા કંઇ સમજે તે પહેલાં જ ગણતરીની મિનીટોમાં લૂંટારાએ લૂંટ ચલાવી હતી અને ભાગી છુટ્યો હતો. તુરત જ મહિલાએ બુમાબુમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરાઇ હતી.

ધોળા દિવસે લૂંટ

લૂંટારો ધોળા દિવસે મહિલા પાસેથી લૂંટ ચલાવી ફરાર થતાં લોકોમાં ભય જોવા મળ્યો હતો. પોલીસે સમગ્ર મામલે મહિલાના નિવેદનના આધારે તપાસ શરુ કરી હતી.


  • Follow us on: