ભાવનગર શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને દિગ્ગજ નેતા યોગેશ બદાણીની એક વિવાદિત ફેસબુક પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો છે. બદાણીના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પરથી 'BJP હટાવો દેશ બચાવો' જેવી કડક અને સીધી ભાજપ વિરોધી પોસ્ટ થતા સમગ્ર ભાવનગરના રાજકારણમાં ગરમાવો આયો છે.
પૂર્વ મહામંત્રી યોગેશ બદાણીએ કરી પોસ્ટ
મહત્વનું છે કે, આ પોસ્ટ થયાના ગણતરીના કલાકોમાં જ ડિલિટ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશૉટ્સ સોશિયલ મીડિયામાં ફરતા થઇ ગાતા હતા. આ પોસ્ટ બાદ જ્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓએ આ મુદ્દે ખુલાસો માંગ્યો ત્યારે યોગેશ બદાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયું હતું અને તેમણે આવી કોઈ પોસ્ટ કરી નથી. બદાણીએ આ ઘટનાને પોતાની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. જોકે, આ ખુલાસા બાદ પણ રાજકીય વર્તુળોમાં શંકાનું વાવાઝોડું યથાવત છે.
ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો કર્યો ખુલાસો
લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, શું ખરેખર એકાઉન્ટ હેક થયું હતું કે, પછી લાંબા સમયથી પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને અસંતોષને કારણે તેમના 'મનની વાત' બહાર આવી ગઈ? અગાઉ પણ પક્ષના કેટલાક નેતાઓમાં નારાજગીના સૂર ઊઠ્યા હોવાના કિસ્સાઓ બન્યા છે ત્યારે આ ઘટનાએ તે અસંતોષને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે. જોકે, આ મામલે ભાજપનું સત્તાવાર મોવડીમંડળ મૌન સેવી રહ્યું છે. પરંતુ કાર્યકરોમાં ગણગણાટ ચાલી રહ્યો છે. આ ઘટનાએ ભાજપના આંતરિક રાજકારણમાં ચાલી રહેલા સંઘર્ષને ખુલ્લો પાડી દીધો છે.