બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કાંટી પોલીસ સ્ટેશન વિસ્તારના સિરસિયા ખુર્દ ગામના રહેવાસી 26 વર્ષીય અભય કુમારે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર યુવક તેની પત્નીના લગ્નેત્તર સંબંધોને કારણે ભયંકર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં યુવકે પોતાના આ પગલા માટે પત્નીને સીધી જવાબદાર ઠેરવી છે.
લગ્ન બાદ પત્નીના અફેરનો ભાંડો ફૂટ્યો
અભય કુમારના લગ્ન 1 ડિસેમ્બર, 2025ના રોજ થયા હતા. લગ્ન બાદ તે પત્નીને પોતાની સાથે જયપુર પણ લઈ ગયો હતો જ્યાં તે નોકરી કરતો હતો. જો કે, લગ્નના ગણતરીના દિવસોમાં જ અભયને ખબર પડી કે તેની પત્નીના કોઈ અન્ય પુરુષ સાથે સંબંધો છે. મૃતકના ભાઈના જણાવ્યા મુજબ, પત્ની શરૂઆતમાં તે પુરુષને પોતાનો સંબંધી ગણાવીને ગેરમાર્ગે દોરતી હતી. આ વાતની સત્યતા સામે આવ્યા બાદ બંને વચ્ચે વિવાદ વધ્યો હતો. એક અઠવાડિયા પહેલા પત્ની પોતાના પિયર (મામાના ઘરે) ગઈ હતી, ત્યારબાદ અભયના ફોન પર કેટલાક વાંધાજનક મેસેજ અને ફોટા-વીડિયો આવ્યા હતા, જેનાથી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો.
પતિને લાગી આવતા ટ્રેન નીચે પડતુ મૂક્યુ
મંગળવારે સવારે અભય કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. લાંબા સમય સુધી તેની કોઈ ભાળ ન મળતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન મુઝફ્ફરપુર-મોતિહારી રેલ્વે લાઇન પર કપરપુરા સ્ટેશન નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સુસાઈડ નોટમાં અભયે ભાવુક થઈને લખ્યું છે કે, "મારી પત્ની જ મારા મોત માટે જવાબદાર છે. માફ કરજો, મારા પરિવાર."
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં જ સરકારી રેલ્વે પોલીસ (GRP) અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કાંતી પોલીસ સ્ટેશનના પ્રભારી રવિકાંત પાઠકે જણાવ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી પરિવારની અરજીના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી છે. જો કે, પરિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કરીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?