"કુમકુમ ભાગ્ય", "વાગલે કી દુનિયા" અને આગામી ફિલ્મ "છાવા" માં પોતાના અભિનય માટે જાણીતી યુવા અને ઉભરતી અભિનેત્રી સંચિતા ઉગલેનું ૧૪ જૂન, ૨૦૨૬ ના રોજ મુંબઈ સ્થિત તેમના ઘરે આત્મહત્યાના કારણે અવસાન થયું છે. આ સમાચાર વાયરલ થતાં જ તેમના ચાહકો, સહ-કલાકારો અને સમગ્ર મનોરંજન ઉદ્યોગ સ્તબ્ધ થઈ ગયો છે. માત્ર 22 વર્ષની ઉંમરે અભિનેત્રી સંચિતાએ કેમ આત્મહત્યા કરી તેના કારણોને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે. આ દરમિયાન ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ ઇન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતા અને ગ્લેમર પાછળના દબાણને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે.


સંચિતા નિધન પર આંચલ ખુરાનાએ ઉઠાવ્યા સવાલ

સંચિતાના આકસ્મિક નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરવા સાથે આંચલ ખુરાનાએ ટેલિવિઝન ઉદ્યોગની કેટલીક ખોટી પ્રથાઓ અને વ્યાવસાયિક દબાણ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ઇન્ડસ્ટ્રીની કાળા સચ્ચાઈને ઉજાગર કરી છે. આંચલે જણાવ્યું કે, જ્યારે ચેનલો માત્ર TRP ની પાછળ દોડે છે અને નિર્માતાઓ ખર્ચ ઘટાડવા (Budget Cuts) પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે કલાકારો કયા માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે તે વિશે કોઈ વિચારતું નથી.

કલાકારો પર કાસ્ટિંગ પ્રેશરનું દબાણ, આંચલનો આક્રોશ

અભિનેત્રી આંચલ ખુરાનાએ પોતાની પોસ્ટમાં ઇન્ડસ્ટ્રીમાં વર્કકલ્ચરને લઈને આક્રોશ ઠાલવતા લખ્યું કે કલાકારોની લાઈફને લઈને કોઈ વિચારતું નથી. ચેનલો માત્ર TRP ની પાછળ દોડે છે અને નિર્માતાઓ ખર્ચ ઘટાડવા (Budget Cuts) પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે કલાકારો કયા માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. કલાકારોને કોઈ પણ નાના કારણોસર, અસંમતિ દર્શાવવા બદલ, કોઈ બાબતમાં સમાધાન કરવાનો ઇનકાર કરવા બદલ કે માત્ર લોકપ્રિયતામાં થોડો ઘટાડો થવા જેવા નજીવા બહાના હેઠળ શોમાંથી રાતોરાત બદલી (Replace) દેવામાં આવે છે.

'કલાકારોના દિવસો ઓડિશનમાં અને રાતો અસ્વીકારમાં વીતે છે'

આ ગ્લેમરસ વ્યવસાયની અનિશ્ચિતતા વિશે વાત કરતા આંચલે ઉમેર્યું કે, કલાકારો પોતાના દિવસો ઓડિશન આપવામાં અને રાતો રિજેક્શન (અસ્વીકાર) નો સામનો કરવામાં વિતાવે છે. લોકો કલાકારોને 'મજબૂત' રહેવાની સલાહ આપે છે, પરંતુ સતત મળતી અસફળતા અને અનિશ્ચિતતા માનસિક રીતે થકવી નાખે છે, તે કોઈ નથી સમજતું. તેમણે આક્ષેપ કર્યો કે આજે કાસ્ટિંગના નિર્ણયોમાં પ્રતિભા કરતાં પૈસા વધુ મહત્વ ધરાવે છે, જેના કારણે સારા કલાકારોને પણ નાના ખર્ચના તફાવત કે ખોટા વર્તન સામે અવાજ ઉઠાવવા બદલ બહારનો રસ્તો બતાવી દેવાય છે.

ડિપ્રેશનનો સામનો કરી રહેલા કલાકારોને આંચલની ખાસ સલાહ

પોતાના અંગત અનુભવો શેર કરતા આંચલ ખુરાનાએ ખુલાસો કર્યો કે તે પોતે પણ ડિપ્રેશન અને ભારે તણાવના સમયમાંથી પસાર થઈ ચૂકી છે. તેમણે તમામ કલાકારોને અપીલ કરી છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ક્યારેય ન ભરો. તેમણે સલાહ આપી કે જો ગ્લેમર વર્લ્ડનું દબાણ અસહ્ય બની જાય, તો આ માયાનગરી છોડીને પોતાના પરિવાર પાસે પાછા ફરી જવું જોઈએ, કારણ કે જીવનથી વધુ કિંમતી કંઈ નથી.

સંચિતા ઉગલેએ કરી આત્મહત્યા

'કુમકુમ ભાગ્ય' અને 'વાગલે કી દુનિયા' જેવા લોકપ્રિય શોમાં કામ કરનાર સંચિતા ઉગલે સોમવારે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 14 જૂનની સાંજે નાલાસોપારા પૂર્વના અચોલે ગામમાં આવેલી સાઈ સંતોષી બિલ્ડીંગમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંચિતા તેના બેડરૂમમાં સાડી સાથે છતના પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી. જો કે પોલીસને તેના મૃતદેહ પાસેથી કોઈ નોટ ના મળતા આ મામલો વધુ રહસ્યમય બન્યો છે. પોલીસ સંચિતાના આત્મહત્યાના કારણોની તપાસ કરશે.


આ પણ વાંચો : Dawood ibrahim : બોલિવૂડની આ અભિનેત્રી માટે દાઉદ ઇબ્રાહિમે કરી હતી પ્રોડ્યુસરની હત્યા! ગળાડૂબ પ્રેમમાં હતો પાગલ.

  • Follow us on: