ગેંગસ્ટરની કરમ કુંડળીના આ ખાસ વિશેષ એપિસોડમાં આપ દર સપ્તાહે દેશના જાણીતા ગેંગસ્ટર્સની કરમ કુંડળી વાંચી શકશો. સામાન્ય માણસમાંથી કઇ રીતે એક ગેંગસ્ટરનો જન્મ થાય છે તે વાંચવામાં તમારી દિલચસ્પી વધી જશે તે ચોક્કસ વાત છે કારણ કે અમે ગેંગસ્ટરની દુનિયાના આ બેતાજ બાદશાહોના જીવનની વાર્તાને આપની સમક્ષ રસાળ શૈલીમાં રજૂ કરીશું
50થી વધુ ગંભીર ગુના
ગેંગસ્ટર્સની કરમ કુંડળીમાં આજે અમે તમને જણાવીશું દિલ્હી અને દેશમાં હાહાકાર મચાવનારા ગેંગસ્ટર નીરજ બવાના વિશે. હાલ તિહાર જેલમાં બંધ રહેલા નીરજ બવાનાના કરતૂતો એવા છે કે દેશનું પોલીસ તંત્ર નીરજ બવાનાનું નામ સાંભળતા જ એલર્ટ થઇ જાય છે. તેની ઉંમર ભલે 34 વર્ષ છે પણ તેના કારનામા એવા છે કે તેની સામે અત્યાર સુધીમાં 50થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે.

નીરજ બવાના પોતાની બવાના ગેંગ ચલાવે છે
તમે એ જાણીને ચોંકી જશો કે 34 વર્ષનો નીરજ બવાના પોતાની બવાના ગેંગ ચલાવે છે અને તેમાં તેના હાથ નીચે 100 થી ગુંડા ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આજે જેણે મંડોલી જેલમાં આત્મહત્યા કરી છે કે પછી જેની કથિત હત્યા થઇ છે તે પશ્ચિમી દિલ્હીનો નામચીન ગેંગસ્ટર સલમાન ત્યાગી પણ નીરજ બવાનાની ગેંગમાં જ વર્ષો સુધી કામ કરતો હતો
નીરજનો ખૌફ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ
પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા થઇ ત્યારે નીરજ બવાનાનું નામ બહાર આવ્યું હતું. નીરજનો ખૌફ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ છે.
34 વર્ષની ઉમંરમાં 100થી વધુ ગુંડાનો બોસ
દિલ્હી શહેરના બવાણા ગામના રહેવાસી નીરજનું અસલી નામ નીરજ સહરાવત છે પણ ફેમસ થવા માટે તેણે નીરજ બવાના પોતાનું નામ નીરજ બવાના રાખી દીધું . 34 વર્ષના નીરજ પર હત્યા, જમીનનો કબજો, ખંડણી જેવા અતિ ગંભીર કહી શકાય તેવા 50થી વધુ ગુના નોંધાયેલા છે.એની ગેંગમાં 100થી વધુ ગુંડા સાથીઓ હોવાનું માનવામાં આવે છે.

તે તિહાર જેલમાં રહીને પણ પોતાની ગેંગ ચલાવે છે
અંધારી આલમમાં તે તેને દિલ્હીનો દાઉદ તરીકે ઓળખવામાં આવે છે. એક સમયે સામાન્ય ચોરી કરતો નીરજ આજે દિલ્હી અને એનસીઆર વિસ્તારનો સૌથી કુખ્યાત ગુનેગાર માનવામાં આવે છે.હાલ તે તિહાર જેલમાં રહીને પણ પોતાની ગેંગ ચલાવે છે.
ચોરીના રવાડે ચડેલો નીરજ બંબીહા ગેંગમાં જોડાયો
સરળ જીવન જીવતા નીરજ બનાવાએ આજથી 18 વર્ષ પહેલાં અંધારી આલમમાં પગ મુક્યો હતો. સામાન્ય ચોરીના રવાડે ચડેલો નીરજ ક્યારે ગંભીર ગુના આચરતો થઇ ગયો તેની કોઇને ખબર પણ પડી ન હતી. શરુઆતના તબક્કામાં તે નામચીન બંબીહા ગેંગમાં જોડાયો હતો. આ ગેંગમાં ગુરુગ્રામનો કૌશલ ચૌધરી અને દિલ્હીનો સુનિલ ઉર્ફે ટિલ્લૂ તાજપુરિયાનો પણ સમાવેશ થાય છે.
દવિંદરની હત્યા બાદ નીરજ બંબીહા ગેંગનો સુત્રધાર બન્યો
આ ગેંગનો મુખ્ય સુત્રધાર દવિંદર સિંહ સિદ્ધૂ હતો, જે પંજાબના મોગા જિલ્લાના બંબિહા ગામનો હતો. પહેલા તે કબડ્ડી ખેલાડી હતો. 2016માં બઠિંડામાં એક પોલીસ એન્કાઉન્ટરમાં દવિંદરને મારી નાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ નીરજ વધુ એક્ટિવ બની ગયો અને એક પછી એક ગુનાઓ કરતો ગયો.
નીરજે બંબીહા ગેંગની કમાન સંભાળી
દવિંદરના એન્કાઉન્ટર બાદ નીરજે બંબીહા ગેંગની કમાન સંભાળી લીધી હતી અને એક પછી એક ગુનાઓ આચરીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું શરુ કરી દીધું હતું. તે કોઇનાથી ડરતો ન હતો અને બિન્ધાસ્ત બનીને ગુનાઓ આચરતો હતો જેથી લોકોમાં પણ તેનો ખૌફ વધી રહ્યો હતો.
તેનો સૌથી મોટો દુશ્મન નીતુ દાબોદા
તેનો સૌથી મોટો દુશ્મન નીતુ દાબોદા હતો. નીતુ અગાઉ નીરજનો ખાસ સાગરીત પણ હતો. પણ ત્યારબાદ નીરજની ગેંગ અને નીતુની ગેંગ સામ સામે આવી ગઇ હતી. બંને વચ્ચે થયેલી ગેંગવોરમાં તો એક ડઝથી વધુ લોકોના મોત થયા હતા. 2023માં નીતુને પોલીસે એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. પણ આમ છતાં નીરજની નીતુની ગેંગ સાથે દુશ્મની તો યથાવત જ રહી હતી.

2017માં તેણે જેલમાં રહીને જ નીતુના સાગરીત રાજેશ ઘરમુટની પણ હત્યા કરી
નીરજ એટલો ખૂંખાર છે કે 2015માં જ્યારે તેને પોલીસ કોર્ટમાં લઇ જઇ રહી હતી ત્યારે તેની સાથે પોલીસ વાનમાં રહેલા નીતુ ગેંગના પારસ અને ભોલા નામના 2 ગુંડાઓને તેણે વાનમાં જ હુમલો કરીને પતાવી દીધા હતા. 2017માં તેણે જેલમાં રહીને જ નીતુના સાગરીત રાજેશ ઘરમુટની પણ હત્યા કરી નાખી હતી હવે તેના નિશાના પર નીતુ ગેંગનો નવો ચીફ રાજેશ બવાનીયા છે જે અત્યારે જેલમાં બંધ છે.
તે 2015થી જેલમાં બંધ
તે 2015થી જેલમાં બંધ છે. ટિલ્લૂ તાજપુરીયા અને લોરેન્સ બિશ્નોઈ જેવી વિરોધી ગેંગો તરફથી તેના પર હુમલો થવાનો પણ ભય છે જેથી તિહાર જેલમાં તેની સુરક્ષા વ્યવસ્થા સતત મજબૂત રહે છે. કહેવાય છે કે નીરજ જેલમાં રહીને પણ તેના ગેંગના ગેંગસ્ટરોને સુચના આપતો રહે છે.
15 ઓગસ્ટ પૂર્વે બવાના ગેંગના લોકોની ધરપકડ
આઝાદી પર્વ પહેલા સોશિયલ મીડિયા પર હથિયારો બતાવવાના આરોપમાં, નીરજ બવાણા ગેંગના શંકાસ્પદ સભ્યો સહિત 9 આરોપીઓને પોલીસે પકડ્યા હતા. 12-13 ઑગસ્ટની રાતે પોલીસે ગોપનીય માહિતીના આધારે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. 1 પિસ્તોલ, 23 દેશી બનાવટની પિસ્તોલ 28 કારતૂસો સાથે બવાના ગેંગના ગેંગસ્ટરો પકડાયા હતા.
સાગર ધનખડની હત્યામાં પણ નામ આવ્યું હતું
નીરજનું નામ પહેલવાન સાગર ધનખડની હત્યામાં પણ ખુલ્યું હતું. આ કેસમાં જ્યારે ઓલિમ્પીયન સુશીલ કુમાર ફસાયો ત્યારે તપાસમાં જાણ થઇ કે આ ઘટનામાં નીરજ બવાનાના સાગરીતો પણ સામેલ હતા. સુશીલ કુમાર અને તેના સાથીઓએ સાગર, અમિત અને સોનુને માર માર્યો હતો અને તે વખતે નીરજ બવાનાના સાગરીતો પણ ત્યાં હાજર હતા













