ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ, ન્યૂડ કોલ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના નામે લોકો સાથે લૂંટ મચાવાઈ રહી છે. સરકાર અને પોલીસ દ્વારા લોકોને સજાગ રહેવા અને સાવચેતી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. લોકોમાં આ પ્રકારની ગુનાખોરી સામે જાગૃતિ આવે અને લોકો છેતરાય નહીં તે માટે સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. તે છતાંય ડિજિટલ એરેસ્ટના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ગાંધીનગરમાં એક વૃદ્ધ મહિલાને ત્રણ મહિના સુધી એરેસ્ટ કરી તેની પાસેથી 15 કરોડ લૂંટી લેવાયા છે. જેમાં એક આરોપી પણ પકડાયો છે. તો આવો જાણીએ શું છે ડિજિટલ એરેસ્ટ અને તેનાથી કેવી રીતે બચી શકાય છે?


મોટા ભાગે ભણેલા ગણેલા લોકો જ ભોગ બને છે

સરકાર અને પોલીસ દ્વારા સોશિયલ મીડિયા અને જાહેરાતો દ્વારા સતત સંદેશ આપવામાં આવે છે કે, ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહો, નકલી કોલ અને વીડિયો કોલ દ્વારા થતી ડિજિટલ ધરપકડથી બચવા માટે હંમેશા સતર્ક રહો. પોલીસ દ્વારા એવો પણ સંદેશ આપવામાં આવે છે કે, જો તમને પોલીસના નામનો ફોન આવે અને તમારી ધરપકડની વાત કરે તો તરત 1930 પર કોલ કરીને એક્શન લો. આમ છતાં પણ લોકો ડિજિટલ એરેસ્ટનો ભોગ બની રહ્યાં છે. આમાં મોટા ભાગના ભણેલા ગણેલા લોકો સૌથી વધુ ભોગ બની રહ્યાં છે.

શું છે ડિજિટલ એરેસ્ટ અને કેવી રીતે થાય છે

એક ફોન કોલ્સમાં ધમકી અને ત્યાર બાદ આવેલા વીડિયો કોલથી લોકોને ડરામણી ધમકીઓ આપીને ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ કરવાના બનાવો સામે આવી રહ્યાં છે. ડિજિટલ એરેસ્ટ એક સાયબર ક્રાઈમ છે. આ ગુનામાં કોઈપણ વ્યક્તિને તેના સોશિયલ મીડિયા અથવા રેકી કર્યા બાદ તેની જાણકારી મેળવી લેવામાં આવે છે. ત્યારબાદ તેને ફોન કરીને ગંભીર ગુનો આચર્યો હોવાની માહિતી આપીને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. સામેથી વીડિયો કોલ કરનારો આરોપી ધમકીઓ આપે છે અને ત્યાર બાદ પોતાની માગ રજૂ કરે છે. જો આ માગ પૂરી નહીં કરાય તો ધરપકડ કરવાની અથવા તો ગુપ્ત તસ્વીરો વાયરલ કરવાની ધમકીઓ આપે છે. આરોપી સામે વાળાને બદનામી અને ગુનાખોરીમાં સંડોવણીનો ડર બતાવે છે. ત્યાર બાદ આરોપી પોતાની મોં માગી રકમ પડાવે છે.

ડિજિટલ એરેસ્ટ અને ન્યૂડ કોલથી બચવા માટે શું કરી શકાય

ડિજિટલ એરેસ્ટ અને ન્યૂડ કોલથી બચવા માટે લોકોએ ફોનમાં આવતા મેસેજ અને વોટ્સએપ કે ફેસબુક સહિતના પ્લેટફોર્મ પર આવતા મેસેજમાં આવતી લિંકો પર ક્લીક કરવાથી બચવું જોઈએ. શંકાસ્પદ કૉલ્સ અથવા વીડિયો કૉલ્સની અવગણના કરવી જોઈએ. જો કોઈપણ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું લાગે ત્યારે તરત સાયબર સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. સોશિયલ મીડિયાના સમયમાં લોકોએ સતત જાગૃત રહેવું તે સૌથી મોટો બચાવ છે. માત્ર સરકાર અને પોલીસ જ નહીં પરંતુ સામાન્ય જનતાએ પણ સાવધાન રહીને પોતાની માહિતી સુરક્ષિત રાખવાની જરૂર છે. પોલીસ દ્વારા જાહેર કાર્યક્રમો, સોશિયલ મીડિયામાં સંદેશ દ્વારા ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવા લોકોને જણાવાય છે તે છતાય લોકો તેનો ભોગ બની રહ્યા છે.


  • Follow us on: