અમદાવાદ શહેરમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના રબારી કોલોની ચાર રસ્તા પાસે દારૂના નશામાં ચૂર એક કારચાલકે પૂરઝડપે કાર હંકારી પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં પાર્ક કરેલી કારના માલિકને ઈજાઓ પહોંચી છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
નશાની હાલતમાં પૂરઝડપે કાર હંકારી
ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી દીપક બધેલ દારૂના નશામાં ધુત થઈને પોતાની કાર પૂરઝડપે હંકારી રહ્યો હતો. રબારી કોલોની પાસે તેણે નિયંત્રણ ગુમાવતા રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી એક કારને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, કાર માલિક નીરજ દેવાચાર્યને શરીરે ઈજાઓ પહોંચી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આ નશાખોર ચાલકે રબારી કોલોનીમાં અકસ્માત સર્જતા પહેલા અન્ય એક બાઈક સવારને પણ ટક્કર મારી હતી.
સાથી મિત્ર કાર લઈને ફરાર
અકસ્માત બાદ એક વિચિત્ર વળાંક જોવા મળ્યો હતો. મુખ્ય આરોપી દીપક બધેલ કારમાંથી નીચે ઉતર્યો તે દરમિયાન તેની બાજુની સીટ પર બેસેલો અન્ય એક શખ્સ કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લોકોએ દીપક બધેલને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. હાલ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી દીપક બધેલની અટકાયત કરી છે અને ફરાર થઈ ગયેલા અન્ય વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ કાર્યવાહી
અમદાવાદની આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે, આરોપી પાસે દારૂ ક્યાંથી આવ્યો અને તેની સાથે રહેલો અન્ય વ્યક્તિ કોણ હતો. અકસ્માત બાદ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નશાખોર ચાલકો સામે કડક પગલાં લેવાની માગ કરી હતી.
આ પણ વાંચો - Ahmedabad : ઘાટલોડિયામાં રામેશ્વર મંદિરની આજુબાજુ નશાખોરોનો ત્રાસ, સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવતા જ પોલીસનું પેટ્રોલિંગ શરુ થયું