ઓનલાઈન શોપિંગના આજના જમાનામાં છેતરપિંડીની નવી રીત સામે આવી છે. અમદાવાદમાં ફ્લિપકાર્ટના એક ડિલિવરી બોયે ગ્રાહકોના ઓર્ડર કરેલા મોંઘાદાટ મોબાઈલ સાથે છેડા કરી લાખોનું કૌભાંડ આચર્યું છે. આઈફોન અને સેમસંગ જેવા મોંઘા ફોન પાર્સલમાંથી કાઢી લઈને ગ્રાહકોને ડમી ફોન પધરાવતા આ ડિલિવરી બોય વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.


શું હતી કૌભાંડની મોડસ ઓપરેન્ડી?

ડિલિવરી બોય તરીકે કામ કરતા વિશાલ કાનજીભાઈ બાવરીએ તેના મિત્રો સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. આ ટોળકી ખોટા એડ્રેસ પર મોંઘાદાટ આઈફોન, સેમસંગના ફોન અને સ્માર્ટ વોચના ઓર્ડર આપતી હતી. જ્યારે આ પાર્સલ વિશાલ પાસે ડિલિવરી માટે આવતા, ત્યારે તે ખૂબ જ ચાલાકીથી પેકિંગ ખોલી તેમાંથી અસલ મોબાઈલ કાઢી લેતો હતો અને તેની જગ્યાએ ડમી ફોન કે સાબુ જેવી વસ્તુઓ મૂકીને પાર્સલ ફરી સીલ કરી દેતો હતો.

4.35 લાખનો મુદ્દામાલ સગેવગે કર્યો

તપાસમાં બહાર આવ્યું છે કે, વિશાલ અને તેના સાથીદારોએ મળીને અંદાજે રૂપિયા 4.35 લાખની કિંમતના મોબાઈલ ફોન અને વોચની ચોરી કરી છે. ગ્રાહકોને જ્યારે ડમી ફોન મળ્યા અને કંપનીમાં ફરિયાદો વધી, ત્યારે આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી

આ મામલે ફ્લિપકાર્ટના જવાબદાર અધિકારીઓ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે વિશાલ બાવરી અને તેના મિત્રો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ડિલિવરી માટે કામ કરતા કર્મચારીઓની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Ahmedabad News : બળાત્કારી આસારામના આશ્રમનો સફાયો પાક્કો, આશ્રમથી ગ્રાઉન્ડ રિપોર્ટ Exclusive


  • Follow us on: