ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને મોટી સફળતા મળી છે. એટીએસની ટીમ દ્વારા અમદાવાદથી એર કાર્ગો મારફતે વિદેશમાં નશાકારક દવાઓનો જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આ આરોપી તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે નશાનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યું
ઘટનાની મળતી માહિતી અનુસાર, પકડાયેલો આરોપી અમદાવાદ એરપોર્ટ પરથી એર કાર્ગો સુવિધાનો ઉપયોગ કરીને નશાકારક દવાઓનો મોટો જથ્થો વિદેશ મોકલતો હતો. ખાસ કરીને થાઈલેન્ડ, મલેશિયા અને અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં આ દવાઓ સપ્લાય કરવામાં આવતી હતી. આ નેટવર્ક કેટલું મોટું છે અને વિદેશમાં કોને આ જથ્થો મોકલાતો હતો, તે દિશામાં એટીએસ હવે ઉંડી તપાસ હાથ ધરી રહી છે.













