અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પત્ની સાથેના કોઈ અગમ્ય કારણોસર થયેલા વિવાદમાં ઉશ્કેરાઈ જઈને પત્નીની કરપીણ હત્યા કરી નાખી હતી. પતિએ પત્ની પર તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પારિવારિક જંગ
પત્નીની હત્યા કર્યા બાદ ગભરાયેલા અથવા પસ્તાવો અનુભવતા પતિએ પણ અંતિમ ડગલું ભરતા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ બનાવની જાણ થતા જ બાપુનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસે હત્યા કરનાર મૃતક પતિ વિરુદ્ધ જ ગુનો દાખલ કરીને આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.













