અમદાવાદના અસલાલી વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 3 બાળકો અને એક મહિલા સહિત કુલ 6 બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘૂસણખોરો છેલ્લા 10 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. પકડાયેલા શખ્સોમાં કલોન મોલ્લા અને મોહમ્મદ અરાફાત મોલ્લાનો સમાવેશ થાય છે, જ્યારે રીબાખાતુન મોલ્લા નામની મહિલા અને ત્રણ બાળકોને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ કોઈ પણ માન્ય દસ્તાવેજો વગર સરહદ ઓળંગીને અહીં આવ્યા હતા.


અસલાલીમાં સર્ચ ઓપરેશન

ચોંકાવનારી વિગત એ છે કે આ બાંગ્લાદેશી પરિવારો અગાઉ અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. પરંતુ ત્યાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા તેઓ પકડાઈ જવાની બીકે અસલાલી વિસ્તારમાં આવીને છુપાયા હતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોલીસે અત્યારે તમામ શખ્સો વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ લોકો પાસે ભારતીય ઓળખના કોઈ બોગસ દસ્તાવેજો છે કે કેમ અને તેમને અહીં આશરો આપવામાં કોણે મદદ કરી હતી, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : બાવળા-બગોદરા હાઈવે પર મિત્રો વચ્ચે હિંસક અથડામણ, યુવક બ્રિજ પરથી નીચે પટકાયો

  • Follow us on: