અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર આવેલી ઢેઢાળ ચોકડી પાસે એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં બ્રિજ ઉપર બે મિત્રો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે મારામારી દરમિયાન એક યુવક અચાનક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. હાઈવે પરથી પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
CCTV ફૂટેજ જોઈ કંપારી છૂટી જશે
આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બે શખ્સો વચ્ચે ઝપાઝપી થાય છે અને ત્યારબાદ એક યુવક બ્રિજ પરથી નીચે ફંગોળાય છે. આ ઘટનાની જાણ થતા જ બાવળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપી મિત્રની શોધખોળ હાથ ધરી છે અને ઝઘડો કયા કારણોસર થયો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે. હાઈવે પર બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.













