અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં એક મહિલાએ દર્શનના બહાને ચોરીની ઘટનાને અંજામ આપતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દર્શન કરવા આવી અને મુગટ લઈ ગઈ!
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા રાયખડ વિસ્તારના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં એક અજાણી મહિલા શ્રદ્ધાળુ બનીને પ્રવેશી હતી. પ્રથમ તેણે ભક્તિભાવથી દર્શન કરવાનો ઢોંગ કર્યો અને ત્યારબાદ તક મળતા જ ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ પરથી ચાંદીનો મુગટ સેરવી લીધો હતો. આ મહિલાએ અત્યંત સાતિર રીતે ચોરીને અંજામ આપ્યો અને કોઈને શંકા જાય તે પહેલાં મંદિરની બહાર નીકળી ગઈ હતી.













