ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં દારૂની બોટલો મળી આવવાના ગંભીર મામલે જવાબ માંગવા ગયેલા NSUI ના કાર્યકરોને વહીવટી સ્ટાફની ગેરહાજરીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વિદ્યાર્થી સંગઠન રજૂઆત કરવા પહોંચ્યું ત્યારે ઓફિસમાં કોઈ પણ જવાબદાર અધિકારી હાજર ન મળતા મામલો ગરમાયો હતો. NSUI એ આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટી તંત્રને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવામાં કોઈ રસ નથી. આ રોષના પરિણામે NSUI દ્વારા યુનિવર્સિટીની ઓફિસમાં તાળાંબંધી કરી દેવામાં આવી હતી અને સત્તાધીશો વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
શિક્ષણના ધામમાં વહીવટી ખાડે
NSUI ના નેતાઓનું કહેવું છે કે કેમ્પસમાં દારૂની બોટલો ક્યાંથી આવી તે અંગે ખુલાસો કરવાને બદલે સ્ટાફ અને સત્તાધીશો ઓફિસ છોડીને ગાયબ થઈ ગયા છે. આ પ્રકારની બેદરકારી શિક્ષણ જગત માટે શરમજનક છે. એક તરફ કેમ્પસની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે અને બીજી તરફ વહીવટી તંત્ર રજૂઆત લેવામાં પણ આનાકાની કરી રહ્યું છે. તાળાંબંધીની આ ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ બંદોબસ્તની માંગ ઉઠી છે અને હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી સત્તાધીશો આ મામલે શું સ્પષ્ટતા કરે છે.













