અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં હથિયારોની હેરાફેરી અને ગેરકાયદેસર વપરાશ સામે પોલીસે લાલ આંખ કરી છે. નરોડા પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાયત્રી પાર્ક ત્રણ રસ્તા પાસેથી એક શખ્સને બાર બોરની રાઇફલ અને બનાવટી લાઈસન્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


બનાવટી લાયસન્સ સાથે ફરતો હતો આરોપી

નરોડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે વિસ્તારમાં ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી વિક્રમસિંહ ચૌહાણ નામના શખ્સને રોકીને તપાસ કરી હતી. આરોપીની તલાશી લેતા તેની પાસેથી બાર બોરની રાઇફલ અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપીએ પોલીસને છેતરવા માટે હથિયારનું લાઈસન્સ પણ રજૂ કર્યું હતું, પરંતુ તપાસ દરમિયાન તે લાઈસન્સ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.

મુખ્ય સપ્લાયર ફરાર

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ હથિયાર તેને મુરલધાનુ નામના વ્યક્તિએ આપ્યું હતું. હાલમાં મુખ્ય આરોપી મુરલધાનુ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નરોડા પોલીસ દ્વારા વિક્રમસિંહ ચૌહાણ વિરૂદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ હથિયાર કયા હેતુ માટે લાવવામાં આવ્યું હતું, અને અગાઉ કોઈ ગુનામાં તેનો ઉપયોગ થયો છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આગામી સમયમાં બનાવટી લાઈસન્સનું મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Ahmedabad News: ડોક્ટર બની વૃદ્ધોને ઠગતી ગેંગનો પર્દાફાશ


  • Follow us on: